Surat Mobile Shop Theft Case : સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે આવેલી મહિલા વેપારીની માલિકીની હેવમોર મોબાઈલ શોપના તાળા તોડી એક ચોર શનિવારની રાત્રી દરમિયાન ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7.45 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સણિયા હેમાદ ગામ જલારામ સોસાયટી પાસે ઓમ રીજન્સી ફ્લેટ નં.1201 માં રહેતા 40 વર્ષીય મીનલબેન ધર્મેશભાઈ માધવાણી મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે કબીર ભવનમાં હેવમોર મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે. ગત શનિવારે વરસાદ પડતો હોય મીનલબેન દુકાને ગયા નહોતા. આથી દુકાનમાં કામ કરતો આબીદ શનિવારે રાત્રે 10.30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયો હતો. દરમિયાન, ગતરોજ સવારે 9.20 કલાકે મીનલબેનને તેમની દુકાનની સામે સલૂન ધરાવતા કલ્લુભાઈએ ચોરી થયાની જાણ કરતા તે પોલીસ અને આબીદને ફોન કરી દુકાને દોડી ગયા હતા.
ત્યાં જઈ તેમણે જોયું તો ચોરે દુકાનના જમણી બાજુના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા રૂ.7,25,282 ની કિંમતના 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7,45,282 ની મત્તાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે મીનલબેને બાદમાં મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.