Surat Corporation : સુરત પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો છે. અગાઉ 63 કરોડ જેટલું નેગેટિવ પ્રીમિયમ આવતા ટેન્ડર દફતરે કરીને નવા મંગાવાયા હતા. હાલમાં આવાસ ખાલી થઈ ગયા છે અને ડિમોલીશન પણ ચાલું છે ત્યારે પાલિકા પર રી-ડેવલપમેન્ટ માટે પ્રેશર છે તેથી પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બહારનો રસ્તો બતાવ્યો છે, સ્થાયી સમિતિની બેઠકમાં માનદરવાજા ટેનામેન્ટ માટે દરખાસ્ત રજુ થઈ હતી, પરંતુ એજન્સીએ 191 કરોડનું નેગેટિવ પ્રિમિયમ ભરતા સ્થાયી સમિતિએ આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે. સુરત પાલિકા વિસ્તારમાં આવેલી માનદરવાજા એ,બી અને સી ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકોની રિ-ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017 થી સુરત મહાનગરપાલિકાએ ત્રણ વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. પાલિકાએ ત્રીજો પ્રયાસ કર્યો હતો તેમાં બે ટેન્ડર આવ્યા હતા.