Surat Food Safety : સુરતમાં આગામી દિવસોમાં ચંદની પડવાના તહેવારમાં મોટા પ્રમાણમાં ધારી બનશે તેથી ઘારી બનાવવા ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ પાલિકાના ફૂડ વિભાગે લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ પહેલાં ફુડ વિભાગે સુરત શહેરમાં દશેરામાં વેચાણ થતી ફાફડા અને જલેબીના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ હજી આવ્યો નથી.
સુરત શહેરમાં ચંદની પડવાના તહેવારનું ભારે મહત્વ છે. સુરતીઓ આ દિવસે હજારો કિલો ઘારી અને ભુસુ ખાઈ જતાં હોય છે. અને તેના કારણે સુરતમાં મોટા પ્રમાણમાં અનેક વેપારીઓ મોટી માત્રામાં ધારી બનાવવાનું કામ કરે છે. આ ઘારી માટે મુખ્ય ઘટક તરીકે માવાનો ઉપયોગ થાય છે તેથી આ દિવસોમાં ઘારી બનાવવા માટેના માવાનું સુરતમાં મોટાપાયે વેચાણ થાય છે. આ ઘારીનો માવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાલિકાના ફુડ વિભાગ દ્વારા આજે માવાના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની સાત ટીમ દ્વારા માવા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા બાદ તેને રિપોર્ટ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ કરવામા આવશે તેવું ફુડ વિભાગે જણાવ્યું હતું.
આજે વહેલી સવારથી જ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા માવા વિક્રેતાઓને ત્યાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.