પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં એસસીઓ સમિટ પહેલા ત્યાંના તંત્રમાં ભારે દોડધામ મચી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના માર્ગો ઉપર પાકિસ્તાનની આખી આર્મી ઉતારી દેવામાં આવી છે. પાકિસ્તાનના બંધારણની કલમ-245 હેઠળ પાંચથી 17 ઑક્ટોબર સુધી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ અને આર્મી તૈનાત રાખવ કરવામાં આવી છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પાકિસ્તાન જઈ રહ્યા છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકરે આ મહિને ચીનના શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની યાત્રા કરશે. ડિસેમ્બર-2015 પછી કોઈ ભારતીય વિદેશ મંત્રીનો આ પ્રથમ પાકિસ્તાન પ્રવાસ હશે. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વર્ષ-2015માં અફઘાનિસ્તાન મુદ્દે એક સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયાં હતાં.
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 થી 16 ઑક્ટોબર વચ્ચે યોજાવાની છે. જેમાં અનેક વિદેશી મહેમાનો રાજધાનીમાં રોકાશે. બીજી તરફ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ ઈસ્લામાબાદના ડી-ચોકમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
ઈમરાન સમર્થકો ઈસ્લામાબાદ આવી રહ્યા છે
ઈમરાન ખાનના સમર્થકો ઈસ્લામાબાદ તરફ કૂચ કરી તેમની મુક્તિની માંગ કરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં પીટીઆઈ સમર્થકોએ રાજધાનીના ડી ચોક ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સમર્થકોને રોકવા માટે પોલીસે અનેક વ્યવસ્થા કરી છે. સમગ્ર શહેરમાં કલમ 144 અમલમાં છે અને તમામ એન્ટ્રી પોઈન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
સરકારે પહેલાથી જ ઈમરાન ખાનને આ વિરોધને મોકૂફ રાખવાની માંગ કરી છે. પીટીઆઈ સમર્થકોનું કહેવું છે કે ઈમરાન ખાન જ તેમને ઈસ્લામાબાદ જતા રોકી શકે છે. શુક્રવારે, પોલીસે દેશના વિવિધ શહેરોમાંથી સેંકડો પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી હતી, જેઓ પ્રદર્શનમાં સામેલ થવા માટે ઈસ્લામાબાદ આવી રહ્યા હતા.
પાકિસ્તાન આખું અભેદ્ય કિલ્લામાં ફેરવાયું
પૂર્વ પીએમ ઈમરાન ખાનના ટેકેદારો દ્વારા કરાતું પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈસ્લામાબાદમાં એસસીઓની બેઠક મળવા જઈ રહી છે. જેમાં એસસીઓ સભ્યો ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાઝિકિસ્તાનના ડેલિગેશન ઈસ્લામાબાદ આવવાના છે. વીવીઆઈપી મૂવમેન્ટની સુરક્ષાને લઈ પાકિસ્તાન સરકારને ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાન આર્મીને સોંપી દીધી છે.