જીવનમા શિક્ષણનું ખુબ જ મહત્વ છે. સરકાર પણ કન્યાઓના શિક્ષણ પર ભાર મુકે છે. ત્યારે ઉમરાળા ગામના સરપંચે પોતાના ગામની દિકરીઓ શિક્ષણથી વંચિત રહી ન જાય એ માટે પ્રેરણાત્મક કદમ ઉઠાવ્યુ હતુ.
શાળામા શિક્ષકોની અછત સર્જાઈ
ઉમરાળા ગામમા આવેલી પીએમ કેન્દ્રવર્તી શાળાના શિક્ષકો બદલીકેમ્પનો લાભ લઈને પોતાના વતનમાં જતા રહ્યા હતા. જેના કારણે શાળામા શિક્ષકોની અછત સર્જાઈ હતી. આથી દિકરીઓના શિક્ષણ પર અસર થાય એમ હતી. પરંતુ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે ગામની શિક્ષિત દિકરીઓને શિક્ષકની સેવા માટે માટે તૈયાર કરી શાળામા શિક્ષણકાર્ય શરૂ રાખ્યુ હતુ. અને ઓગષ્ટ-૨૦૨૩ થી ફેબ્રુઆરી-૨૦૨૫ સુધી અંદાજે ૧૭ મહિના સુધી આ નવોદિત શિક્ષિકાઓને રૂ.૨,૫૦,૦૦૦ વેતન ચુકવ્યુ હતુ. નોંધનિય છે કે, પંચાયત ધારામાં ખર્ચની જોગવાઈ નહિ હોવાથી સરપંચે જવાબદારી લીધી અને પોતાના ખિસ્સામાંથી વેતન ચૂકવીને શિક્ષણ જગત માટે મોટુ ઉદાહરણ પાડ્યુ છે.
શિક્ષકો વતનમાં ગયા
આ અંગેની વિગત મુજબ વર્ષ ૨૦૨૩માં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બદલી કેમ્પનું આયોજન કરાયુ હતું, જેમા ઉમરાળા કન્યાશાળાના એચ. ટાટ આચાર્ય સહીતના પાંચ શિક્ષકોની બદલી થઈ હતી. અને તેઓ પોતાના વતનમાં જતા રહેતા ઉમરાળાની પીએમ ઉમરાળા કેન્દ્રવર્તી શાળામા શિક્ષકોની ઘટ પડી ગઈ હતી. શિક્ષકોની અછત સર્જાતા શાળામા શિક્ષણકાર્ય કેમ કરાવવું તેવો સવાલ ઉભો થયો હતો. આ વાત ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના ધ્યાને આવતા કેન્દ્રવર્તી શાળાની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે એક નવી પહેલ કરી હતી.
સરપંચે સ્વખર્ચે દિકરીઓની કરી શિક્ષિત
ગામના સરપંચે સ્વખર્ચે ગામની ઉચ્ચ શિક્ષણ મેળવેલ સુશિક્ષિત દીકરીઓને શાળામાં શિક્ષક તરીકે સેવા આપવા માટે તૈયાર કરી અને આ સેવા માટે મહીને માનદ વેતન નક્કી કરીને દર મહીને પગાર ચૂકવવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ પંચાયત ધારામાં આ ખર્ચની જોગવાઈ નહિ હોવાથી આ પગારની રકમ એમણે પોતાના સ્વ ખર્ચે આપી હતી. દીકરીઓ આઈ.ટી.ના યુગમાં શિક્ષણની સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવે એવા ઉદ્દેશ્ય સાથે કોમ્પ્યુટર શિક્ષકની સેવા પણ સરપંચ દ્વારા પૂરી પાડવામાં આવી છે. આ સેવાને હાલ ૧૭ મહિના થઈ ગયા છે. અને આ સેવા અવિરત ચાલુ રહી છે. ત્યારે શિક્ષકોના પગાર પેટે સરપંચ દ્વારા રૂપિયા ૨,૫૦,૦૦૦ થી પણ વધારે રકમ ચુકવવામાં આવી છે.
પ્રવર્તમાન યુગમાં શિક્ષણના મહત્વને સમજીને શિક્ષણપ્રેમી સરપંચ દ્વારા જે સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે. તેને રાજ્યના દરેક ગામના સરપંચ અનુસરે તો ગુજરાતને સંપૂર્ણ શિક્ષિત રાજ્ય બનતા કોઈ ન રોકી શકશે નહિ.