સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માતા-પિતા માટે ચેતવણીરુપ સમાન કિસ્સો સામે આવ્યો છે. વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત થયું છે. પ્રાંતિજના નાનીભાગોળ કહાર વાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો અને તેનું મોત નિપજ્યું છે.
અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવાર અને લોકોને થઈ જાણ
મકાન પાછળથી પ્રસાર થઈ રહેલા 11,000 કેવીની વીજ લાઈનમાં પતંગ ફસાઈ જતાં બાળકી પતંગ કાઢવા મથી રહી હતી, આ દરમિયાન બાળકીને વીજ કરંટ લાગતા તેનું મોત થયું છે. બાળકીને વીજ કરંટ લાગતા મકાનના ધાબા ઉપર વીજ કરંટને લઈને બાળકીના બંને હાથ, પગ અને પેટ બળીને ભથ્થુ થઈ ગયા છે. ત્યારે આ ઘટના બનતા જ આસપાસમાં રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવારના લોકો અને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.
રહીશોએ મકાનોની પાછળ રહેલી 11 KVની લાઈન હટાવવા માગ
બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પણ હાજર રહેલા તબીબી દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. મૃતક બાળકી પ્રાંતિજ ખાતે આવેલી ગુજરાતી શાળા નંબર-1માં ધોરણ 6માં અભ્યાસ કરતી હતી. બાળકીના મોતને લઈને પરિવાર સહિત પાડોશીઓ અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે આજબાજુના રહીશો દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ના બને તેને લઈને વીજકંપનીને મકાનો પાછળ રહેલા 11 કેવીની વીજ લાઈન હટાવવા માટે માગ કરી છે.