રિષભ પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. પંત છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ આ વિકેટકીપર બેટ્સમેન અને કેપ્ટનને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં પંતને ખરીદ્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સ પણ પંતને ફરીથી ખરીદવા માંગતુ હતું પરંતુ અંતે LSG બીડ જીતી ગયું. જે બાદ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. LSGએ આ ખેલાડીને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સને અલવિદા કહેતી વખતે રિષભ પંત ભાવુક જોવા મળ્યો હતો.
દિલ્હી છોડ્યા બાદ પંત થયો ભાવુક
રિષભ પંત લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલો હતો. દિલ્હીના ચાહકો પણ પંતને ખૂબ પ્રેમ કરતા હતા. હવે, તેની ટીમમાં અચાનક બદલાવ દિલ્હીના ચાહકો માટે પણ થોડો આશ્ચર્યજનક હતો. દિલ્હી કેપિટલ્સને અલવિદા કહેતા, પંતે હવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જે એકદમ ભાવુક છે.
આ પોસ્ટમાં પંતે લખ્યું, દિલ્હી કેપિટલ્સમાં મારી સફર ઘણી યાદગાર રહી. હું અહીં કિશોરાવસ્થામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સમાં આવ્યા પછી હું ઘણો મોટો થયો છું. અમે 9 વર્ષ સુધી સાથે ગ્રો થયા અને જે વસ્તુએ તેને સૌથી યાદગાર બનાવ્યું તે તમે ફેન્સ છો… તમે હંમેશા મને સાથ આપ્યો, મને સપોર્ટ કર્યો, જે હું હંમેશા મારા દિલમાં રાખીશ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ
રિષભ પંતની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એલએસજી તેને નવા કેપ્ટન તરીકે પણ પસંદ કરી શકે છે. કેએલ રાહુલને મુક્ત કર્યા બાદ એલએસજી નવા કેપ્ટનની શોધ કરી રહી છે.