Vadodara Water Protest : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો કાયમી કકળાટ છે. આજવા રોડ વિસ્તારના કાન્હા રેસિડેન્સીમાં છેલ્લા કેટલાય વખતથી પીવાના પાણીનો પ્રશ્ન સર્જાયો છે પરંતુ છેલ્લા એક મહિનાથી સવારનું પાણી ક્યારેક સાંજે ઓછા પ્રેશરથી આવતું હોવાના કારણે સ્થાનિકોને પાણીના ટેન્કરો મંગાવવા પડતા હોવાથી ત્રાહિમામ થઈને આજે કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મહિલાઓનો મોરચો રજૂઆત કરવા આવી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરમાં નિયત માત્રા કરતા દોઢ ગણો વરસાદ પડ્યો છે. આમ છતાં શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલ કાન્હા રેસિડેન્સીમાં પીવાના પાણીનો છેલ્લા કેટલાય વખતથી કકળાટ ચાલી રહ્યો છે પરંતુ એકાદ મહિનો વ્યવસ્થિત રીતે પાણી આવ્યા બાદ કેટલાય સમયથી નિમિત પાણી આવતું નથી. સવારનું પાણી સાંજે ક્યારેક આવે પરંતુ પ્રેસર ખૂબ જ ઓછું હોય છે. પાણીના ત્રાસથી સ્થાનિક રહીશોને પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈને મહિલાઓનો મોરચો ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા આવી પહોંચ્યો હતો. રજૂઆત બાદ આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કોઈ હલ નહીં આવે તો કાન્હા રેસિડેન્સીના તમામ સ્થાનિક રહીશો પાલિકા કચેરી આવીને બેસી જશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.