વિશ્વ વિખ્યાત તબલા વાદક ઉસ્તાક ઝાકિર હુસૈનને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે એટલે કે રવિવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હાલમાં ઝાકિર હુસૈનાની સ્થિતિ ગંભીર છે.
ઝાકિર હુસૈનના કરોડો ફેન્સ ચિંતિત
તમને જણાવી દઈએ કે સંગીતની દુનિયામાં વર્ષોથી સક્રિય રહેલા ઝાકિર હુસૈનના કરોડો ફેન્સ છે. આ સમાચારથી તેમના ફેન્સ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઝાકિર હુસૈન જલદી જ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં જાણીતું છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ફેન્સ છે.
ઝાકિર હુસૈને રચ્યો છે ઈતિહાસ
73 વર્ષના ઝાકિર હુસૈને 3 વર્ષની ઉંમરે જ તબલા વગાડવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. 7 વર્ષની ઉંમરે, તેમણે તબલા વગાડવાનું શરૂ કર્યું અને તેમની પ્રથમ સંગીત સ્પર્ધા આપી હતી. તેમને 11 વર્ષની ઉંમરે અલગ-અલગ સ્થળોએ પોતાનું કૌશલ્ય દર્શાવવાનું પણ શરૂ કરી દીધું હતું. ઝાકિર હુસૈન ભારતના પ્રથમ તબલાવાદક છે, જેમને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસૈને માત્ર તબલા વાદક તરીકે જ કામ કર્યું નથી પણ તે એક ઉત્તમ અભિનેતા પણ છે જેમણે 80ના દાયકાની કેટલીક ફિલ્મોમાં અભિનયનું પણ કામ કર્યું છે.
ઝાકિર હુસૈન અને શંકર મહાદેવનને ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો ગ્રેમી એવોર્ડ
ભારતીય સિંગર શંકર મહાદેવન અને પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનને ફેબ્રુઆરી મહિનામાં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ‘ધીસ મોમેન્ટ’ આલ્બમમાં કુલ 8 ગીતો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને સંગીત ઉદ્યોગના સૌથી મોટા પુરસ્કારોમાંના એક ગ્રેમીમાં અજાયબીઓ કરી છે. આ દરમિયાન ગ્રેમી વિજેતા રિકી કેજે કેટલાક વીડિયો અને ફોટા શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા. રિકી કેજે સોશિયલ મીડિયા પર શંકર મહાદેવનનું ભાષણ પણ શેર કર્યું છે જે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની ગયું છે.