ઈઝરાયલે હિઝબુલ્લાના વધુ એક આંચકો આપ્યો છે. ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના આગામી નવા ચીફ હાશેમ સફીદ્દીનને ટાર્ગેટ બનાવવાનું સામે આવ્યું છે. ઈઝરાયલે કરેલા દાવા અનુસાર, ઈઝરાયલી સૈન્યએ બેરુતના દક્ષિણ વિસ્તારમાં એક બંકરને ટાર્ગેટ બનાવ્યું હતું. આ બંકરમાં હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાના બીજા ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યો હતો. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, હાશમનું મોત થયું છે કે તે બચી ગયો છે. હિઝબુલ્લાની તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
હમાસનો ટોચનો કમાન્ડર ઠાર
હિઝબુલ્લાહની સાથે ઈઝરાયેલ પણ હમાસને ટાર્ગેટમાં લઈ રહ્યું છે. ઈઝરાયલે થોડા કલાકો પહેલા પશ્ચિમ કાંઠે હમાસના ટાર્ગેટ પર મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ તુલકારમ વિસ્તારમાં હમાસના સ્થાનો પર બોમ્બમારો કર્યો, જેમાં હમાસના ટોચના નેતા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીનું મોત થયું. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે ઔફી પર ગયા મહિને ઈઝરાયેલી સેના પર હુમલો કરવાનો આરોપ હતો. તેના પર બળવાખોર લડવૈયાઓને ઈઝરાયલી સેના પર હુમલો કરવા માટે હથિયારો પૂરા પાડવાનો પણ આરોપ હતો. પેલેસ્ટિનિયન ઓથોરિટીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયા છે.
હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાનો કાર્યકારી પરિષદ પ્રમુખ હતો અને તેને જ હસન નસરલ્લાના સ્થાને હિઝબુલ્લા ચીફ બનાવવાની ચર્ચાઓ થઈ હી હતી. હસન નસરલ્લાને ગત શુક્રવારે ઈઝરાયલી હુમલામાં મોત થયું હતું. લેબેનોનની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાનો ગઢ માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, ગત રાત્રે ઈઝરાયલી સૈન્યએ દક્ષિણી બેરુતમાં સતત 11 સ્થળો પર હિઝબુલ્લાના ઠેકાણાઓ પર બોમ્બમારો ઝીંક્યો હતો.
ઈઝરાયલના ભયંકર હુમલામાં કુલ 37થી વધુ લોકોનાં મોત
લેબેનોનના આરોગ્ય મંત્રાલયે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ઈઝરાયલે કરેલા હુમલામાં ગત દિવસે 37 લોકો કરતાં વધુનાં મોત થયા છે અને 151 લોકો ઈજાગ્રસ્ત થયા છે.