રાજકોટના પૂર્વ ચીફ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠીયાની સંપત્તિ જપ્ત થશે. રાજ્ય સરકારે મનસુખ સાગઠીયાની સંપત્તિ જપ્ત કરવા માટેના આદેશ આપ્યા છે. રૂપિયા 23 કરોડ કરતાં વધુની સંપત્તિ સરકાર જપ્ત કરશે. તમને જણાવી દઈએ કે મનસુખ સાગઠિયા રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડનો આરોપી છે અને ACBએ આવક કરતા વધુ સંપત્તિના કેસમાં માહિતી મેળવી હતી.
મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે વસાવેલી મિલકતો ટાંચમાં લેવાશે
ઉલ્લેખનીય છે કે રાજકોટના આ લાંચિયા અધિકારી મનસુખ સાગઠિયા સામે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને હવે રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવાશે. મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
24 ઓગસ્ટે મનસુખ સાગઠીયા સામે ACBએ ચાર્જશીટ ફાઈલ કરી હતી
જણાવી દઈએ કે 24 ઓગસ્ટે પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે ACBએ ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટમાં અપ્રમાણસર મિલકતના ગુનામાં ACBએ 16,000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. સાથે સાથે 8 બેન્કમાં 37 ખાતાની તપાસ કરવામાં આવી હતી અને 78 સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. 85 દસ્તાવેજોને પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા અને તપાસ દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી.