રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીના બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ કર્યાની ‘યે તો સિર્ફ ઝાંખી હે પિક્ચર અભી બાકી હે’નો ઘટસ્ફોટ થયો છે. અસલમાં ભૂ-માફિયાઓએ સરકારી જમીનના 350થી વધુ નકલી લેખ બનાવ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે.
તેમાંથી કેટલીક સરકારી જમીનમાં નોંધ પણ પડી ગઈ હોવાનુ જાણવા મળ્યું છે.રાજકોટના ભૂ-માફિયાઓએ માત્ર મવડીની જ નહી પરંતુ રૈયા, નાનામવા, મોટા મવા સહિતની સરકારી જમીનમાં કારસ્તાન કર્યું છે. એટલે આ જમીન કૌભાંડ માત્ર રાજકોટ જ નહી પરંતુ રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જમીન કૌભાંડનો આંકડો ર0 હજાર કરોડ આસપાસ હોવાની ચર્ચા છે.
સુત્રોએ જણાવ્યું હતુ કે, ભૂ-માફિયાઓએ બે-બે લાખ રૂપિયામાં નકલી રાજાશાહીના લેખ બનાવી તેના આધારે સબ રજીસ્ટ્રાર અને મામલતદાર કચેરીમાં નોંધ પણ પડાવી હોવાનું જાણવા મળ્યું છે. આ જમીન કૌભાંડમાં માત્ર એક કચેરી નહી પરંતુ ત્રણ સરકારી કચેરીના કર્મચારીઓની સિન્ડીકેટે કૌભાંડ આર્ચયું હોવાની વિગત પ્રકાશમાં આવી છે.
આખા કારસ્તાનમાં અભિલેખાગાર કચેરી કેન્દ્રમાં છે. આ કચેરીના કર્મચારીએ આવા બોગસ લેખ માત્ર નજીવી રકમે લખી આપ્યા હોવાની વિગત સાંપડી રહી છે. વર્ષ 2001થી લઈ 2022 સુધીમાં આવા 350થી વધુ નકલી લેખ તૈયાર કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.
હાલ મવડીના સરકારી ખરાબાની એક જમીનમાં બોગસ લેખ તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત મવડીની જ અન્ય એક સરકારી ખરાબાની જમીનના લેખ પણ બનાવાયા હોવાની ચર્ચા છે.
રૈયા રોડ ઉપર સમાતંર સરકારી હોવાનો ઘટસ્ફોટ
શહેરમાં જમીન કૌભાંડ આચરતી એક ટોળકીએ રૈયા રોડ ઉપર આવેલ એક કોમ્પ્લેક્સમાં સમાતંર સરકારી કચેરી શરૂ કરી હોવાના અહેવાલ છે. અભિલેખાગાર કચેરીની જેમ જ આ નકલી કચેરીમાં કોઈ પણ સરકારી જમીનમાં રાજાશાહીના લેખ અંહિથી તૈયાર કરવામાં આવે છે.
એક લેખમાં પોષ વદ, તારીખ 6 જૂન 1936 દર્શાવી
બોગસ લેખ તૈયાર કરનાર ટોળકીએ મવડીની કરોડો રૂપિયાની જમીન રાજાએ લખી આપ્યાની તારીખમાં પોષ વદ, 6 જૂન 1939 દર્શાવી હતી. સામાન્ય રીતે પોષ મહિનો ફેબ્રુઆરીમાં આવે છે. તે મુજબ તારીખ ફેબ્રુઆરીની હોવી જોઈએ તેના બદલે 6 જૂન દર્શાવી છે.
એક લેખ રજાના શનિ-રવિવારે તૈયાર કર્યો
ભૂ-માફિયાઓએ શહેરની એક જમીનનો લેખ રજાના શનિવાર અને રવિવારે બનાવ્યો હતો. 9 વર્ષ પહેલા તેની ખરી નકલ અભિલેખાગાર કચેરીમાંથી મંગાઈ હતી. ત્યારે ભાંડો ફૂટવાની બીકે આ ટોળકી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી.