રાજકોટમાં મહિલા તબીબ બિંદિયા બોખાણીએ દોઢ વર્ષ પહેલા આપઘાત કર્યો હતો. જેનું કારણ અકબંધ હતું. ત્યારે હવે આ મહિલા તબીબની આપઘાતના મામલે દોઢ વર્ષ બાદ કોર્ટના આદેશથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા અને પાર્થ જોબનપુત્રા નામના તબીબ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ
જેમાં IPC 306 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 24 મે 2023ના રોજ માધાપર ચોકડી પાસે મહિલા તબીબે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, જિંદગીથી કંટાળી ગઈ છું. બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી.
શું ઘટના બની હતી?
શહેરની ભાગોળે આવેલા માધાપર ચોકડી નજીક અતુલ્ય એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષીય બિંદીયા બોખાણી નામની તબીબ યુવતીએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. જ્યારે બિંદીયા પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન આ પ્રકારનું પગલું ભર્યું હતું. ત્યારે બિંદિયાના માતા પિતાએ બિંદીયાને ફોન કર્યો હતો, પરંતુ તેને ફોનના ઉપાડતા માતા-પિતા તાત્કાલિક ઘરે આવ્યા હતા. જ્યારે ઘરે આવીને જોયું તો તેમની દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો.
ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ હાથ લાગી
ત્યારબાદ આ ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને બીજી તરફ વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ હાથ લાગી હતી. જ્યારે આ સુસાઇડ નોટમાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જે બાદ હવે આ ઘટનાને દોઢ વર્ષ થયા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.