ક્વાડ દેશોએ શનિવારે આયોજિત નેતાઓની શિખર સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સુધારા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ હતું. આ દરમિયાન કાયમી અને અસ્થાયી સભ્યોની શ્રેણીઓને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને યુએસએ પણ ‘વિલ્મિંગ્ટન ઘોષણા’માં યુએન સુરક્ષા પરિષદને વધુ પ્રતિનિધિ, સમાવેશી, પારદર્શક, કાર્યક્ષમ, અસરકારક, લોકશાહી અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિસ્તૃત સુરક્ષા પરિષદમાં આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને કેરેબિયન વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પહેલોને સમર્થન
સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે “અમારા વૈશ્વિક અને પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પહેલોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું જે વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસને આધાર આપે છે. અમે યુએન ચાર્ટર અને યુએન સિસ્ટમના ત્રણ સ્તંભો માટેના અમારા અચળ સમર્થનનો પુનરોચ્ચાર કરીએ છીએ. ક્વાડ દેશોએ એમ પણ કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર, તેના ચાર્ટર અને તેની એજન્સીઓની અખંડિતતાને નબળી પાડવાના એકપક્ષીય પ્રયાસોનો સામનો કરીશું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો કરાશે
ઘોષણામાં એ પણ શામેલ છે કે “અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો કરીશું, અને તેને વધુ પ્રતિનિધિ, સમાવિષ્ટ, પારદર્શક, કુશલ, પ્રભાવી, લોકશાહી અને જવાબદાર બનાવવાની જરૂરિયાતને માન્યતા આપતા સ્થાયી અને અસ્થાયી શ્રેણીઓને વિસ્તૃત કરીશું. આ વિસ્તારમાં આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને કેરેબિયન વિસુતારનું પ્રતિનિધિત્વ સામેલ હોવું જોઈએ.”
UNSCમાં કાયમી સદસ્યતા આપવા માટે ભારતને સમર્થન
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે ભારતના મહત્વપૂર્ણ અવાજને માન્યતા આપવાની વાત કરી હતી. જેમાં ભારતને UNSCમાં કાયમી સદસ્યતા આપવા માટે સમર્થન પણ સામેલ છે. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલી સંયુક્ત તથ્ય પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઈડેને વડાપ્રધાન મોદી સાથે શેર કર્યું હતું ,કે યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પહેલને સમર્થન આપે છે જેથી ભારતનો મહત્વપૂર્ણ અવાજને યોગ્ય પ્લેટફોર્મ મળે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા પણ સામેલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ અને જાપાનના વડાપ્રધાને વિદાય અપાઈ
શનિવારે વિલ્મિંગટન, ડેલાવેયરમાં આયોજિત ક્વાડ નેતાઓના શિખર સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનિજે ભાગ લીધો હતો. આ છઠ્ઠું ક્વાડ નેતાઓનું શિખર સમિટ હતું, જેને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના પદ છોડતા પહેલા તેમનો ‘વિદાય’ શિખર સમિટ તરીકે પણ ગણવામાં આવે છે.
આ સમિટમાં આતંકવાદી હુમલાની નિંદા કરાઈ
ક્વાટ દેશોએ પોતાના સંયુક્ત નિવેદનમાં બધા પ્રકારના આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટ્ર નિંદા કરી હતી. જેમાં સરહદ પારના આતંકવાદ પણ સામેલ છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે 26/11ના મુંબઈ હુમલા અને 2016ના પઠાણકોટ આતંકવાદી હુમલા સહિતના આતંકવાદી હુમલાઓની નિંદા કરી હતી અને તેમના ગુનેગારોને સજા આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.