ઉત્તરપ્રદેશના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીના રોજ પોષ મહિનાની પૂનમથી શરૂ થઈ રહેલા મહાકુંભ 2025માં ફાયર સેફ્ટી વધારવા માટે સૌપ્રથમ વખત રોબોટિક ફાયર ટેન્ડર્સ તહેનાત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓની સલામતી માટે તેમજ કોઈ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા વિશેષ તાલીમબદ્ધ 200 ફાયર કમાન્ડો પણ તહેનાત કરાશે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ (ફાયર સર્વિસીસ) પદ્મજા ચૌહાને જણાવ્યું હતું કે મહાકુંભ 2025માં 20થી 25 કિલો વજનના ત્રણ રોબોટિક ફાયર ટેન્ડર ઉપયોગમાં લેવાશે. આ રોબોટિક ફાયર ટેન્ડર ફાયરના જવાનો જ્યાં ન જઈ શકે તેમ હોય ત્યાં સુધી પહોંચવા સક્ષમ છે. આ રોબોટ્સ પગથિયા ચઢવા, ચોક્સાઈ સાથે આગ બુઝાવવા અને ફાસ્ટ તથા સેફ રિસ્પોન્સ સુનિશ્ચિત કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તેમની સંવેદનશીલ સ્થળોએ પણ તહેનાતી થઈ શકે છે.
ચૌહાને ઉમેર્યું હતું કે આ ઉપરાંત મહાકુંભમાં એક વોટર ટાવર પણ ઊભો કરાશે, જેની મદદથી 35 મીટરની ઊંચાઈ પરથી પાણીનો સ્પ્રે થઈ શકશે. આ ટાવર આગ લાગવાનું જોખમ ધરાવતા સ્થળોના મોનિટરિંગ માટેના હાઇ-ટેક કેમેરાથી સજ્જ હશે.
પોષી પૂનમથી મહાકુંભમેળાનો પ્રારંભ થશે
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીના દિવસે પોષી પૂનમથી શરૂ થનારા મહાકુંભમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મહાકુંભમેળો ભારતનો સૌથી મોટો ધાર્મિક સમાગમ છે, જેમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ ઊમટે છે. મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે અને આ દરમિયાન ત્રણ પવિત્ર નદીઓ-ગંગા, યમુના અને સરસ્વતીના સંગમસ્થળે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનો અદ્ભુત સંગમ પણ જોવા મળે છે. મહાકુંભમેળો 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ સુધી ચાલશે.