સુરતના ભાજપ નેતા દીપિકા પટેલના આપઘાત કેસમાં દિવસેને દિવસે નવા વળાંક આવી રહ્યાં છે.દીપિકા પટેલે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.દીપિકા પટેલના મોબાઇલની તપાસ હાથ ધરાઇ છે તેમજ કોલ ડિટેઇલ અને વોટસએપ ચેટની તપાસ પોલીસ કરશે આ આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે પણ પોલીસે તપાસ હાથધરી છે.
આપઘાત પછી ચિરાગ સોલંકી પહોંચ્યો હતો ઘરે
દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારબાદ ચિરાગ સોલંકી તેના ઘરે પહોંચ્યો હતો,ચિરાગ સોલંકી હાથમાં ગ્લોઝ પહેરીને ઘરમાં ગયો હતો અને ચિરાગ સોલંકી દીપિકાને રોજના 10 થી 15 કોલ કરતો હતો તેવી વાત પણ સામે આવી રહી છે.દીપિકા પટેલે આપઘાત શા માટે કર્યો તે હજુ પણ રહસ્ય છે.કોર્પોરેટર ચિરાગની વધુ પૂછ પરછ માટે પોલીસે તેને આજે અલથાણ પોલીસ મથકે બોલાવી શકે છે તેવી માહિતી પણ સૂત્રો તરફથી મળી રહી છે.
આપઘાત મામલે ભાજપ કોર્પોરેટર પર ઉઠ્યા સવાલ
ભાજપના મહિલા નેતાના મોત બાદ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે દીપિકાના આપઘાત બાદ ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ સૌપ્રથમ રૂમનો દરવાજો ખોલ્યો હતો અને ચિરાગે લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી અને દુપટ્ટો કબાટમાં મુકી દીધો હતો. જે બાદ પરિવારજનો ચિરાગ સોંલકી પર આક્ષેપ કરી રહ્યા છે અને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે. સ્વજનોના મતે દીપિકાને કોઇ દ્વારા બ્લેકમેઇલિંગ અથવા મરવા મજબૂર કરાઇ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે
મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલાં હતાં. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.