શહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે અમદાવાદ શહેર પોલીસે કોમ્બિંગ નાઈટનો શસ્ત્ર ઉગામ્યું છે.શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ સતત ત્રીજા દિવસે પણ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,સતત ત્રીજા દિવસે ચાલી રહેલા કોમ્બિંગ નાઈટ ઓપરેશનમાં અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બર્ડગુજર પણ હાજર રહ્યા હતા.
પોલીસે કરી કાર્યવાહી
અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગણતરી થતી હોય તેવા જુહાપુરા વિસ્તારમાં જેસીપીએ હથિયારધારી જવાનોને સાથે રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરાયેલા ઝડપાયા હતા જેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને સાથે રાખી વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા આ સાથે જ લાઇસન્સ વિના તેમજ અપૂરતા ડોક્યુમેન્ટ સાથે વાહન ચલાવનાર સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
ગુનેગારોમાં વ્યાપ્યો ફફડાટ
છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહેલા કોંબિંગ નાઈટમાં ચેકીંગ દરમ્યાન વાહનોમાં દંડા તેમજ તિક્ષણ હથિયાર રાખતા વાહનચાલકો પણ મળી આવ્યાં હતા આવા વાહનચાલકો સામે BNS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વાહનોમાં નશાયુક્ત પદાર્થો તેમજ તેનું સેવન કરેલા વાહનચાલકો પણ મળી આવ્યા હતા જેમની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.સતત ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોમ્બીંગ નાઈટ વાહન ચેકિંગ ના કારણે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વધ્યું કોમ્બિંગ
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે,અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં જ પોલીસની પોલ ખુલી ગઈ છે.કાર્યવાહીમાં અમદાવાદની વાસ્તવિક્તા સામે આવી છે જેમાં એક જ રાતની કાર્યવાહીમાં ચૌંકાવનારા આંકડા સામે આવ્યા છે.દારૂ પીને રસ્તા પર ફરનાર 470 લોકોની પોલીસે ધરપકડ કરી છે.નિયમ ભંગ બદલ 1791 વાહનો ડિટેઇન કરાયા છે,નિયમ ભંગ બદલ 1685 મેમો ઇશ્યુ કરાયા છે,200 જેટલા હથિયાર લઇને ફરતા શખ્સોને ઝડપ્યા છે,તો 178 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સતત કોમ્બિંગની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.