અમેરિકાનાં ડેલાવેર ખાતે મળેલી ક્વાડ શિખર પરિષદમાં ચાર સભ્ય દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં વડાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ શિખર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આ સંમેલન એવા સમયે મળી રહ્યું છે જ્યારે આખી દુનિયામાં તણાવ અને સંઘર્ષ ચાલી રહ્યો છે.
સામૂહિક લોકશાહી મૂલ્યોને આધારે ક્વાડ દેશો દ્વારા સાથે મળીને કામ કરવું તે સંપૂર્ણ માનવજાત માટે મહત્વનું છે. મોદીએ કહ્યું કે અમે કોઈની વિરુદ્ધ નથી. અમે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરીએ છીએ તમામ મુદ્દાનાં શાંતિપૂર્ણ ઉકેલની તરફેણ કરીએ છીએ. સ્વતંત્ર, મુક્ત, સમાવેશી અને સમૃદ્ધ ઈન્ડો પેસિફિક એ અમારી સામૂહિક પ્રાથમિકતા અને પ્રતિબધ્ધતા છે. કવૉડ દેશોએ આરોગ્ય, સુરક્ષા, આધુનિક ટેકનોલોજી, ક્લાઈમેટ ચેન્જ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સકારાત્મક પહેલ કરી છે. 2025માં કવૉડની યજમાની ભારતમાં કરવામાં આવશે.
પડકારો આવશે, દુનિયા બદલાઈ જશે પણ ક્વાડ હંમેશાં રહેશે : બાઈડેન
અમેરિકાનાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ક્વાડ શિખરને સંબોધવામાં આવી હતી. તેમણે ઈન્ડો પેસિફિકની સાથે દક્ષિણ પૂર્વ એશિયાનાં વિદ્યાર્થીઓને ક્વાડમાં સામેલ કરવાની તરફેણ કરી હતી. બાઈડેને કહેયું કે પડકારો આવશે. દુનિયા બદલાઈ જશે પણ ક્વાડ હંમેશા રહેશે. કેવી રીતે કામ કરવું તે અમે લોકશાહી દેશો જાણીએ છીએ. ઈન્ડો પેસિફિકમાં સકારાત્મક પ્રભાવ માટે પ્રાદેશિક ભાગીદારોને નવી દરિયાઈ ટેકનોલોજી પ્રદાન કરવાનું છે.
ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસે સમાન વિચારધારા પર ભાર મૂક્યો
ઓસ્ટ્રેલિયાનાં પીએમ એન્થની અલ્બાનીસે ઈન્ડો પેસિફિકમાં નિરંતર અને કાયમી શાંતિ તેમજ સ્થિરતા અને સમાન વિચારધારા માટે કામ કરવા ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, ક્વાડ સ્વચ્છ ઊર્જા અને પડકારોનો સામનો કરવા તેમજ જળવાયુ પરિવર્તનથી મળનારી તકો, આરોગ્ય સુરક્ષા, ઊભરતી ટેકનોલોજી, સાઈબર અને આતંકવાદ વિરોધી વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સાર્થક પરિણામો લાવવા પડશે. સમાન વિચારધારા ધરાવતા લોકો પૂર્ણ મહાન લોકતંત્ર સાથે કામ કરશે તો આનંદની વાત હશે.
જાપાનના પીએમએ નક્કર કાર્યવાહી પર ભાર મૂક્યો
જાપાનનાં પીએમ ફુમિયો કિશિદાએ કવૉડમાં નેતાઓ સાથે મુલાકાત કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. ક્વાડ દ્વારા ઈન્ડો પેસિફિકમાં શાંતિ અને સ્વતંત્રતા પર તેમણે ભાર મૂક્યો હતો અને ક્વાડના સાથીઓ સાથે મળીને આગળ વધવા જણાવ્યું હતું.