PG In Gandhinagar : ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને રહેવાની હોસ્ટેલ સુવિધાઓ પૂરતી ન હોવાથી ગાંધીનગરમાં સેક્ટર 2, 7, 8, 21, 27 સેક્ટરમાં વિદ્યાર્થીઓ પેઈંગ ગેસ્ટ (PG)માં રહીને ક્લાસીસ તથા અભ્યાસ કરે છે. જ્યારે પી.જી. કલ્ચરથી ત્રાહિમામ રહેવાસીઓને ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, જીલ્લા પોલીસ વડાને ગાંધીનગર સેક્ટર 2ના રહવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગાંધીનગર SDPOને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
PGના લીધે સ્થાનિકો પરેશાન
ગાંધીનગર સેક્ટર 2માં રહેતા નાગરિકો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવેલી રજૂઆત મુજબ, પાટનગર ગાંધીનગરમાં હાલમાં જિલ્લા બહારથી ઘણા લોકો રોજગારી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને અભ્યાસ માટે આવતા હોય છે. આ વિદ્યાર્થીઓને રહેવા માટે સેકટર-2/ડીમાં 90 ચો.મીના મકાનો પી.જી ચલાવનારાને ભાડેપટ્ટેથી આપ્યાં છે. જેમાં એક મકાનમાં આશરે 20થી 25 છોકરા- છોકરીઓને રાખવામાં આવ્યાં હોવાથી નજીકમાં વસવાટ કરતા પરીવારોને વાહન પાર્કીંગ અને ફુડ ડીલીવરી, કુરીયર, ટેક્ષીઓની અવર-જવર જેવી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે એક મકાનમાં મોટી સંખ્યામાં છોકરા-છોકરી રહેતા હોવાથી પાણી તંગી પણ સર્જાઈ છે.
રહેણાંક વિસ્તારોમાં PG બંધ કરાવાની રહીશોની માગ
આ ઉપરાંત ફરિયાદમાં જણાવ્યું છે કે, પી.જીમાં રહેતા લોકોની 24 કલાક અવર-જવરના લીધે રહેવાસીઓને રાત્રીના સમયે પણ ઘોંઘાટ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પી.જીની પ્રવૃત્તિ આર્થિક ઉપાર્જનનું સાધન છે, જે વાણીજ્ય વિસ્તારમાં ચાલવી જોઇએ. રહેણાંક વિસ્તારમાં આવી પ્રવૃત્તિ ચલાવી શકાય નહી. જો આવી પ્રવૃત્તિને અટકાવવામાં નહી આવે તો અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જે બાબતે રજૂઆત અને મુશ્કેલીઓ ધ્યાને લઈ સેક્ટરમાં રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલ પી.જી. તાત્કાલિક બંધ કરાવવા વિનંતી છે.
આ રજૂઆતના સંદર્ભે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા ગાંધીનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવા આવે છે, જે ખાનગી લાયબ્રેરીમાં વાંચન કરે છે અને ખાનગી કોચિંગ ક્લાસમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પી.જી.માં રહે છે. પરંતુ તેનું પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું નથી એટલે કયા વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં રહે છે એની માહિતી પણ પોલીસ પાસે હોતી નથી. હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યા પછી પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે એ જોયું રહ્યું.