લોકો પાણી પીવે તે પીવા લાયક છે કે નહીં તે તપાસવાનું કામ કરતી જેતપુરની પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીના કર્મચારીઓએ છેલ્લા એક મહિનાથી કામગીરી ઠપ્પ કરી દીધી હોવાથી જેતપુર લેબોરેટરી હેઠળ આવતા જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને ભાયાવાદર સહિત 181 ગામોના લોકો પીવાના પાણીનું ટેસ્ટિંગ વગર પીવા મજબૂર બન્યા છે. અને આવા ટેસ્ટિંગ વગરના પાણીથી પાણીજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે.
કામગીરી ઠપ
જે તે મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીવા લાયક છે કે નહીં તે તપાસણીનું કામ પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે. આ લેબોરેટરીમાં બેક્ટેરિયલ કે કેમીકલ ટેસ્ટીંગ જેમાં કેલ્શિયમ, હાર્ડનેશ, મેગ્નેશિયમ, ડહોળાશ, નાઈટ્રેટ ફ્લોરાઈડ, PH, આલ્કલાઇન, સલ્ફેટ, કલર ગંધ,સ્વાદ તેમજ બેક્ટેરિયલ પેરામીટર વિશે તપાસણી કરવામાં આવે છે. જેતપુરમાં પાણી પુરવઠા બોર્ડની આ લેબોરેટરીમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા અને ભાયાવાદર નગરપાલિકા સહિત તાલુકાઓના 181ગામોને પીવાના પાણીની તપાસણી કરવામાં આવે છે.
સેમ્પલ લઈ ટેસ્ટિંગ શરૂ
પરંતુ આ લેબોરેટરીના આઉટ સોર્સીગના કર્મચારીઓને તેમની એજન્સી પગાર બાબતે ધાંધ્યા કરતી હોય જેથી છેલ્લા એક મહિનાથી આ લેબોરેટરીના કર્મચારીઓએ તમામ કામગીરી ઠપ્પ કરી દીધી છે.જેથી લોકોને બેક્ટેરિયલ કે કેમિકલ ટેસ્ટિંગ વગર જ પાણી પીવાનો વારો આવ્યો છે જેને કારણે પાણીજન્ય રોગની મહામારી ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ લેબ દ્વારા પ્રતિ માસ લાગુ પડતા ગામોના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવામાં આવતું હતું.
પાણી વિતરણ
છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટેસ્ટિંગમાં ગોબાચારી હોવાથી 200 જેટલા ગામોના પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ કર્યા વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ બાબતે ગુજરાત જલ સેવા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના આઉટ સોર્સના કર્મચારી આરીફ બ્લોચે જણાવેલ કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીના ટેસ્ટિંગ માટે 14 કરોડનું ટેન્ડર સુરતની ડિટોક્સ પ્રા.લી.ને ફાળવેલ હતું. શરૂઆતના બે મહીના એજન્સીએ આઉટ સોર્સના કર્મચારીઓનો પગાર સમયસર કર્યો ત્યારબાદ અનિયમિત થઈ ગયો અને હવે તો બે ત્રણ મહિનાથી પગાર જ નથી થયો જેને કારણે રાજ્યભરની 33 જિલ્લાઓ સહિત તાલુકા કક્ષાની 80 લેબોરેટરીમાં પાણી ટેસ્ટિંગની કામગીરી બંધ છે.જેથી લોકોને બેક્ટેરિયલ કે કેમીકલ ટેસ્ટીંગ વગર પાણી પીવાનો વારો આવ્યો છે.