સાઉદી અરેબિયા સહિત અનેક ખાડી દેશો પાકિસ્તાનના ભિખારીઓ અંગે ફરિયાદ કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો ધાર્મિક યાત્રાના બહાને સાઉદી જેવા દેશોમાં જાય છે અને ત્યાં ભીખ માગે છે. આ અંગે સાઉદી અરેબિયાની ફરિયાદો પર પાકિસ્તાને મોટું પગલું ભરવું પડ્યું છે.
પાકિસ્તાની ભિખારીઓ અખાતના દેશ સાઉદી અરેબિયામાં ભીખ માંગીને વૈશ્વિક સ્તરે પોતાના દેશને શરમાવે છે. સાઉદી અરબ સરકારે આ અંગે પાકિસ્તાનને વારંવાર ફરિયાદ કરી છે અને ચેતવણી પણ આપી છે. હવે પાકિસ્તાને સાઉદી અરેબિયાને ભિખારીઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપી છે. બુધવારે પાકિસ્તાને કહ્યું કે તેણે ભિખારીઓને સાઉદી અરેબિયા મોકલનારા માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન રઝા નકવી બુધવારે સાઉદી અરેબિયાના નાયબ ગૃહ પ્રધાન ડૉ. નાસેર બિન અબ્દુલ અઝીઝ અલ દાઉદને મળ્યા હતા અને ભિખારીઓ સામે પાકિસ્તાન સરકારની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રીએ સાઉદી મંત્રીને કહ્યું કે લગભગ 4,300 ભિખારીઓના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL)માં મૂકવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે આ ભિખારીઓ દેશ છોડીને બીજે ક્યાંય જઈ શકતા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાઉદી અરેબિયા જતા ભિખારીઓ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહ્યું છે. પાકિસ્તાનના મંત્રી નકવીએ કહ્યું કે પાકિસ્તાનમાં ‘ભિખારી માફિયા’ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભિખારીઓને લઈને પાકિસ્તાન લાંબા સમયથી ખાડી દેશોના નિશાના પર છે.
સપ્ટેમ્બર 2023માં અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાની ભિખારીઓ ‘ઝિયારત’ (તીર્થયાત્રા)ના બહાને ઈરાક અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં જાય છે અને પછી ભીખ માગવા લાગે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં પકડાયેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની નાગરિક છે. અધિકારીઓએ જણાવ્યું કે સાઉદી અરેબિયામાં લગભગ 20 લાખ પાકિસ્તાનીઓ રહે છે અને દર વર્ષે 400,000 લોકો ત્યાં જાય છે.
સાઉદી અધિકારીઓએ પાકિસ્તાનને તેમના દેશમાં ‘ભિખારી અને બીમાર લોકોને’ ન મોકલવા માટે પણ કહ્યું હતું. આ વર્ષના સપ્ટેમ્બરના અંતમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ભિખારીઓ અંગે ચેતવણી આપી હતી. સાઉદીએ કહ્યું હતું કે પાકિસ્તાને ભિખારીઓ પર પોતાની પકડ વધુ કડક કરવી જોઈએ અને જો આમ નહીં કરવામાં આવે તો નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
પાકિસ્તાન સરકારને ધાર્મિક તીર્થયાત્રાના બહાને ભિખારીઓને સાઉદી અરેબિયામાં પ્રવેશતા અટકાવવાના માર્ગો શોધવાની પણ અપીલ કરી હતી. સાઉદી અરેબિયાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભિખારીઓ પર કાર્યવાહી કરવાની જવાબદારી તેની રાષ્ટ્રીય તપાસ એજન્સીને આપી હતી. સાઉદીમાં ભીખ માંગવા જનારાઓ સામે પણ એજન્સીએ કાર્યવાહી કરી છે.
ઓગસ્ટમાં સમાચાર આવ્યા હતા કે સાઉદી જતી ફ્લાઈટમાં 11 ભિખારીઓ સવાર હતા, જેમને સાઉદી જતા અટકાવવામાં આવ્યા હતા. ફ્લાઈટમાંથી દૂર કરાયેલા આ લોકોએ પૂછપરછ દરમિયાન એ પણ કબૂલ્યું હતું કે તેમનો હેતુ સાઉદી જઈને ભીખ માંગવાનો હતો.