ઈસ્લામાબાદના રસ્તાઓ પર પાકિસ્તાની સેના તૈનાત કરવામાં આવી છે. ઈસ્લામાબાદમાં 5 થી 17 ઓક્ટોબર સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધારણની કલમ 245 હેઠળ સેનાને તૈનાત કરવામાં આવી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક SCO સમિટ અને બીજી પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન આ બે કારણોસર સેનાને તૈનાત કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 થી 16 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. જેમાં અનેક વિદેશી મહેમાનો રાજધાનીમાં રોકાશે. બીજી તરફ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ ઈસ્લામાબાદના ડી-ચોકમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ઈમરાન ખાનની મુક્તિની માગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
ઈમરાનના સમર્થકો ઈસ્લામાબાદ આવી રહ્યા છે
ઈમરાન ખાનના સમર્થકો ઈસ્લામાબાદ તરફ કૂચ કરી તેમની મુક્તિની માંગ કરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં પીટીઆઈ સમર્થકોએ રાજધાનીના ડી ચોક ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સમર્થકોને રોકવા માટે પોલીસે અનેક વ્યવસ્થા કરી છે. સમગ્ર શહેરમાં કલમ 144 અમલમાં છે અને તમામ એન્ટ્રી પોઈન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
વિરોધને મોકૂફ રાખવાની માગ
સરકારે પહેલાથી જ ઈમરાન ખાનને આ વિરોધને મોકૂફ રાખવાની માગ કરી છે. પીટીઆઈ સમર્થકોનું કહેવું છે કે ઈમરાન ખાન જ તેમને ઈસ્લામાબાદ જતા રોકી શકે છે. શુક્રવારે, પોલીસે દેશના વિવિધ શહેરોમાંથી સેંકડો પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી હતી, જેઓ પ્રદર્શનમાં સામેલ થવા માટે ઈસ્લામાબાદ આવી રહ્યા હતા.
ઈસ્લામાબાદમાં SCOની બેઠક
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈસ્લામાબાદમાં SCOની બેઠક યોજાવાની છે. જેમાં SCOના સભ્યો ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનના પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ આવવાના છે. VVIP મુવમેન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપી દીધી છે.