પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં ગમે તે સમયે ગમે તે દિવસે વિસ્ફોટ થતા રહેતા હોય છે. પાકિસ્તાનના સૌથી અશાંત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મોટો વિસ્ફોટ થયો છે. ગુરુવારે સાંજે એક પોલીસ સ્ટેશનની અંદર શક્તિશાળી બ્લાસ્ટ થયો હતો. જેમાં એક બાળકનું મોત થયું હતું અને 25 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. જો કે, પોલીસની તરફથી અપાયેલા નિવેદનમાં જણાવ્ચું છે કે, આ વિસ્ફોટ આતંકવાદી વિસ્ફોટ નહોતો.
પોલીસ સ્ટેશનની અંદર થયેલા પ્રચંડ વિસ્ફોટથી બિલ્ડિંગને મોટું નુકસાન થયું છે. વિસ્ફોટ થતાની સાથે ત્યાં આગ ફાટી નીકળી હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમને આગ ઉપર કાબૂ મેળવવા માટે ભારે જહેમત હાથ ધરવી પડી હતી.
આ આતંકવાદી ઘટના નહોવા તંત્રનો દાવો
વિસ્ફોટ અંગે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતીય સરકારના એક સિનિયર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે પોલીસ સ્ટેશનની અંદર થયેલો વિસ્ફોટ કોઈ આતંકવાદી ઘટના નથી. “કેટલાક ઓપરેશન્સ દરમિયાન જપ્ત કરાયેલા વિસ્ફોટકોમાં ભળી જવાને કારણે આ વિસ્ફોટ આકસ્મિક રીતે થયો હતો, જોકે તેને બહાર સલામત સ્થળે નિયંત્રિત રીતે નષ્ટ કરવાની યોજના બનાવવામાં આવી હતી.” રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં તેઓએ કાટમાળમાંથી ઈજાગ્રસ્ત 12 લોકોને બહાર કાઢ્યા છે. આમ છતાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીને વિસ્ફોટમાં એક બાળકનાં મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે માર્યા ગયેલા બાળકના પરિવાર માટે રોકડ વળતરની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોને સમયસર તબીબી સંભાળ પૂરી પાડવા માટે વિભાગીય અને જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
બ્લાસ્ટથી ઈમારતને નુકસાન
વિસ્ફોટની ઘટના બાદ બચાવ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ અને આસપાસ ઈમરજન્સી લગાવી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના નિવેદન અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઈમારતનો ઉપરી ભાગ પણ ધરાશાયી થયો હતો. વધુમાં તેમને જણાવ્યું કે, ઈજાગ્રસ્તોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે.