Outsourcing Employees Vadnagar: વડનગરને એકતરફ કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતના પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવાનો દાવો કરાઈ રહ્યો છે જ્યારે બીજી તરફ વડનગરનાં ટુરિઝમના જાહેર સ્થળોએ ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર પણ નહીં ચૂકવાતો હોવાની ફરિયાદો સામે આવી છે. પગાર નહીં ચૂકવાતો હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી હોવા છતાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તેની ‘વિશિષ્ટતા’ પ્રમાણે હાથ ઊંચા કરીને જવાબદારીમાંથી છટકી જાય છે.
200 કર્મચારીઓને પગાર ન મળતાં ભારે મુશ્કેલી
વડનગરના ઐતિહાસિક સ્થળો થીમપાર્ક, શર્મિષ્ઠા તળાવ, વોકવે, બૌદ્ધ મોનેસ્ટરી, તોરણ હોટલ, લટેરી વાવ, ટાવર, તાનારીરી ગાર્ડન સહિતના સ્થળોએ આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સ્વીપર સહિતના 200 કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ન મળતાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસન વિભાગ વડનગર ખાતે અવનવા કાર્યક્રમો પાછળ જંગી ખર્ચા કરે છે. પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર મળે છે કે કેમ તેમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તસ્દી પણ લેતું નથી.
સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સ્વીપર, હોટલ સ્ટાફ સહિતના 200 જેટલા કર્મચારીઓનો પગાર જમા ન થતાં દયનીય હાલતમાં મુકાયા છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજોની નિમણૂક, સુપ્રીમ કોર્ટની ભલામણને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
એજન્સીને 5 મહિનાથી ગ્રાન્ટ આવી નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને 5 મહિનાથી ગ્રાન્ટ આવી નથી એટલે એજન્સી દ્વારા ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર માસમાં પગાર ચૂકવાયો નથી. કર્મચારીઓના દાવા અનુસાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર નહિ ચૂકવવામાં આવતો હોવાનું સતત બને છે. અમે આ અંગે ટુરિઝમ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરી તો એમ રોકડું પરખાવી દેવાયું કે અમારો નહિ તમારી એજન્સીનો સંપર્ક કરવાનો. પરંતુ ટુરિઝમ ડીપાર્ટમેન્ટ આ એજન્સીને શો કોઝ નોટિસ આપીને પગાર ચૂકવવા અંગે ખુલાસો પણ માંગતી નથી.