કોઈ બાબતે તકરાર થતાં પગલું ભરી લીધું
પહેલાં મહિલાએ ગળાફાંસો ખાધો, તે દ્રશ્ય જોઈ બહારથી આવેલા પ્રેમીએ પણ ગળાફાંસો ખાઈ લીધો
રાજકોટ: રાજકોટના રેલનગર વિસ્તારમાં શ્રીજી રેસીડેન્સીમાં બી-૧૦ નામના ડુપ્લેક્ષમાં ભાડેથી રહેતાં તૃપ્તીબેન (ઉ.વ.૩૮) અને તેના પ્રેમી અક્ષય શૈલેષભાઈ કલોલીયા (ઉ.વ.ર૯)એ ગઈકાલે રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લીવ ઈન રીલેશનશીપથી રહેતા આ પ્રેમી યુગલ વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે તકરાર થયા બાદ તૃપ્તીબેને સૌથી પહેલા ગળાફાંસો ખાઈ લીધો હતો. તેને જોઈ અક્ષયે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.
એવું જાણવા મળ્યું છે કે તૃપ્તીબેન બ્યુટી પાર્લરને લગતું કામ કરતા હતા. તેના પહેલા લગ્ન તેની જ્ઞાાતિમાં જ ૧૬ વર્ષ પહેલાં થયા હતા. જોકે બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી દસેક વર્ષ પહેલાં ગેરેજ સંચાલક ભાવેશ ધ્રાંગધરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેમાંથી એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. જોકે પાંચ વર્ષ પહેલાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારે પુત્ર ભાવેશ પાસે રહ્યો હતો. જયારે તૃપ્તીબેને એકલા રહેવાનું શરૂ કર્યું હતું.
દોઢેક વર્ષ પહેલાં તૃપ્તીબેનને ઈન્સ્ટાગ્રામ મારફત અક્ષય સાથે પરિચય થયો હતો. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પછી બંને લીવ ઈન રીલેશનશીપથી રહેવા લાગ્યા હતા. અઠવાડીયા પહેલા જ બંને રેલનગરની શ્રીજી રેસીડેન્સીમાં ભાડે રહેવા આવ્યા હતા. જયાં ગઈકાલે બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેની જાણ અક્ષયે તેના મિત્ર પરેશને કરી હતી. જેથી પરેશે તેને સમજાવટ કરવા બોલાવ્યો હતો. તેની પાસે અક્ષય ગયા બાદ પાછળથી ઘરમાં એકલા રહેલા તૃપ્તીબેને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
થોડીવાર બાદ પરેશ પાસેથી ઘરે પહોંચેલા અક્ષયે તૃપ્તીને ગળાફાંસો ખાધેલો જોતાં તત્કાળ મિત્ર પરેશને વોઈસ મેસેજ કર્યો હતો.
જેમાં એવું કહ્યું હતું કે તૃપ્તીએ આત્મહત્યા કરી લીધી છે, હવે હું પણ કરી લઉં છું, મારા મમ્મી-પપ્પાને કહેજો કે મારા ડોગને સાચવી લે, બાકી હું બધાની માફી માંગું છું, મે જે ભૂલ કરી છે એના માટે હું પણ આત્મહત્યા કરું છું, ગળાફાંસો ખાવ છું, મુન્નાભાઈને કહેજો કે મારા બહેન અને માતા-પિતાને સાચવે.
આ વોઈસ મેસેજ મળતાં જ પરેશે તત્કાળ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જયાંથી સંદેશો મળતા પ્ર.નગરના પીએસઆઈ આઈ.એ. બેલીમ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જોયું તો તૃપ્તીબેનનો મૃતદેહ ફર્શ પર પડયો હતો જયારે અક્ષયનો મૃતદેહ લટકતો હતો. જેના પરથી એવું અનુમાન નીકળ્યું હતું કે અક્ષયે ઘરે પહોંચ્યા બાદ દુપટ્ટો કાપી તૃપ્તીબેનને નીચે ઉતાર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે.
આપઘાત કરનાર યુવાન માતા-પિતાનો એકલૌતો પુત્ર હતો
રાજકોટ: આત્મહત્યા કરનાર અક્ષય પિતા સાથે અટીકામાં ડાઈ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. તે એક બહેનથી નાનો અને અપરિણીત હતો. થોડા દિવસો પહેલા તૃપ્તીબેન ગુરૂપ્રસાદ ચોકમાં રહેતા હતા. જયાંથી રેલનગરમાં અઠવાડીયા પહેલા જ ભાડે રહેવા આવ્યા હતા.