સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારત સહિતના વિકાસશીલ દેશોના બહેતર પ્રતિનિધિત્વ માટે અમેરિકાએ હંમેશા સમર્થન કર્યું હોવાનું અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કને જણાવ્યું છે. અમેરિકા લાંબા સમયથી ભારત, જાપાન અને જર્મની માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદનું સમર્થન કરતું રહ્યું છે.
બ્લિન્કને 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યૂચરને સંબોધતા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂર છે. અમેરિકાનું માનવું છે કે આ સુધારામાં આફ્રિકા માટે બે કાયમી બેઠક, નાના દ્વીપવાળા વિકાસશીલ દેશો માટે એક રોટેશનલ બેઠક અને લેટિન અમેરિકા તથા કેરેબિયન દેશ માટે કાયમી પ્રતિનિધિત્વ સામેલ હોવું જોઈએ. અમે લાંબા સમયથી ભારત, જાપાન અને જર્મની માટે સમર્થન કર્યું છે. બ્લિન્કને ઉમેર્યું હતું કે અમેરિકા યુએનએસસીમાં સુધારા માટે તત્કાળ મંત્રણા શરૂ કરવાનું પણ સમર્થન કરે છે. અમેરિકા યુએનની પ્રણાલીને વર્તમાન અને ભવિષ્યની વાસ્તવિકતા દર્શાવે તે રીતે વિશ્વને અનુરૂપ બનાવવા પ્રતિબદ્ધ છે.