મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે ન્યૂ જર્સીમાં અંદાજે સવા ચાર લાખ જેટલા ભારતીયો-ગુજરાતી સમુદાયો વસવાટ કરે છે અને એન્વાયરમેન્ટ, ઇનોવેશન, ટ્રેડ-કોમર્સમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, ભારતીયો અને ગુજરાતી પરિવારો જ્યાં વસતા હોય તે પ્રદેશના વિકાસ માટે હંમેશા સમર્પિત થઈને કાર્યરત રહે છે. મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની ફળદાયી ચર્ચાઓમાં ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરએ ન્યૂ જર્સી ગુજરાત વચ્ચે જે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા છે તેને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આના પરિણામે બે સ્ટેટ વચ્ચેનો સંબંધ સુદ્રઢ અને સંગીન થશે.
પીપલ ટુ પીપલ કનેક્ટ સંગીન બનાવવા તત્પરતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ન્યૂ જર્સી ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાન-પ્રદાન વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, ન્યૂ જર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત સાથે સંપર્ક સેતુ જાળવી શકે તે માટે ઇન્ડેક્ષ્ટ-બી નોડલ કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે કાર્ય કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઓફ શૉર વિન્ડ એનર્જી, ફિનટેક અને ઇનોવેશનમાં જે અગ્રેસરતા હાંસલ કરી છે તેની વિગતો ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરને આપી હતી. ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ગુજરાત સાથે આ બધા સેક્ટર્સમાં સહયોગ અને રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર બંનેએ પીપલ ટુ પીપલ કનેક્ટને વધુ સંગીન બનાવવાની તત્પરતા દર્શાવતા એરીયા ઓફ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ આઈડેન્ટીફાય કરવાની હિમાયત કરી હતી.
નોડલ કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે ઇન્ડેક્ષ્ટ-બી કાર્ય કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેફ્ટનન્ટ ગવર્નરને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટનો તેમની આગામી મુલાકાતમાં અવશ્ય સમાવેશ કરવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતે ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસાવ્યું છે તથા બેંક ઓફ અમેરિકા સહિતની પ્રતિષ્ઠિત ફિનટેક કંપનીઓની ત્યાં પ્રેઝન્સ છે તેનાથી લેફ્ટનન્ટ ગવર્નરને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નરને ગુજરાતની નારીશક્તિ દ્વારા નિર્મિત હસ્તકલા કારીગરીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી. આ મુલાકાત વેળાએ ઇન્ડેક્ષ્ટ-બીના એમડી કુલદીપ આર્ય, ચીફ પ્રોટોકલ ઓફિસર જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.