New Land Aircraft Career: ચીનની એક ઇલેક્ટ્રિક વ્હિકલ બનાવતી કંપની શાઓપંગ દ્વારા એક અદ્ભુત કાર બનાવવામાં આવી છે. આ કાર જમીન પર ચાલતાની સાથે હવામાં ઉડતી કાર પણ બની જશે. છેલ્લા થોડા સમયથી અનેક એર-ટેક્સી લોન્ચ કરવામાં આવી છે, પરંતુ આ કારની વિશેષતા એ છે કે તે જમીન પર કારની જેમ અને હવામાં હેલિકોપ્ટરની જેમ પણ ચાલશે. હોલીવૂડની ફિલ્મ ‘ટ્રાન્સફોર્મસ’માં જે રીતે કાર ટ્રાન્સફોર્મ થઈને હેલિકોપ્ટર બને છે, તેવી જ રીતે આ કાર પણ હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે છે. શાઓપંગે આ કારને લેન્ડ એરક્રાફ્ટ કેરિયર નામ આપ્યું છે અને એનું લોન્ચિંગ એરશો ચીન 2024માં થયું છે. આ એક મોડ્યુલર ફ્લાઇંગ કાર છે જે જમીન પર ચાલવાની સાથે હવામાં પણ ઉડી શકે છે.
ડિઝાઈન અને ફીચર્સ
લેન્ડ એરક્રાફ્ટ કેરિઅરમાં બે મોડ્યુલ છે. પ્રથમ ગ્રાઉન્ડ મોડ્યુલ છે, જે એક સામાન્ય કારની જેમ ચાલે છે. બીજું છે એર મોડ્યુલ, જે કારમાંથી અલગ થઈને હવામાં હેલિકોપ્ટરની જેમ ઉડી શકે છે. ગ્રાઉન્ડ મોડ્યુલ ત્રણ એક્સલ અને છ વ્હીલ ધરાવતી કાર છે, જેની લંબાઈ 5.5 મીટર છે અને તે હાઇબ્રિડ મોડમાં 1000 કિલોમીટરની સપાટી કાપી શકે છે. એર મોડ્યુલ લાઇટવેઇટ કાર્બન ફાઇબરમાંથી બનાવવામાં આવ્યું છે અને તે છ-રોટર ડ્યુઅલ ડક્ટ એક્રાફ્ટ છે જેમાં 270 ડિગ્રીનો પેનોરેમિક કોકપિટ છે, જે સરળતાથી ઉડાનની સુવિધા પૂરી પાડે છે.
ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન
લેન્ડ એરક્રાફ્ટ કેરિયરનું એક મહત્વપૂર્ણ ફીચર એનું ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન છે. આ મશીન ગ્રાઉન્ડ અને એર મોડ્યુલને ઓટોમેટિક રીતે જુદી અને જોડાઈ શકવાની ક્ષમતા ધરાવે છે. એક બટન દબાવવાથી જ આ ટ્રાન્સફોર્મેશન થાય છે, જે ફક્ત થોડા મિનિટોમાં થાય છે અને આ કારને જમીન પરથી હવામાં ઉડાન માટે તૈયાર કરે છે. આ એરક્રાફ્ટમાં બે વ્યક્તિ બેસી શકે છે.
ફ્લાઇટ મોડ્યુલના ફીચર્સ
એર મોડ્યુલમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને મોડનો સમાવેશ છે, જે ડ્રાઇવર પોતાની સ્કિલ પ્રમાણે પસંદ કરી શકે છે. ઓટોમેટિક મોડમાં ફ્લાઇટ નીચી ઊંચાઈના ઝડપી ઉડાન, સ્પાઇરલ ચઢાણ, અને યુનિફોર્મ ઝડપથી ઊતરવાના ફીચર્સ ધરાવે છે. આ એર્ગ્રાફ્ટ મોડ્યુલને ગ્રાઉન્ડ મોડ્યુલના માધ્યમથી ચાર્જ કરી શકાય છે, જેમાં 30 ટકા બેટરીથી 80 ટકા બેટરી ફક્ત 18 મિનિટમાં થઈ જાય છે, જેથી ફ્લાઇટ વચ્ચેનો સમય ઓછો રહે.
આ પણ વાંચો: એપલના iCloud પર મોનોપોલીનો આરોપ, 320 અબજ રૂપિયાનો કેસ દાખલ
ઓર્ડર અને કિંમત
શાઓપંગ લેન્ડ એરક્રાફ્ટ કેરિયરનું માસ પ્રોડક્શન 2025ના અંતમાં શરૂ કરવાનો યોજના છે અને તે 2026માં ડિલીવરી માટે ઉપલબ્ધ થશે. હાલ કંપનીને 2000થી વધુ ઓર્ડર મળી ચૂક્યા છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બૂકિંગ છે. કંપનીનું લક્ષ્ય એક વર્ષમાં 10,000 યુનિટનું ઉત્પાદન કરવાનો છે. આ કારની કિંમત 2.33 કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે, પરંતુ ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી સાથે આ કિંમત ડબલ થઈ શકે છે.