નવરાત્રિને આડે આંગળીના વેઢે ગણી શકાય તેટલો સમય બાકી છે. ત્યારે ખેલૈયાઓ પોતાની છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના બજારોમાં આં વર્ષે ચણિયાચોળી અને કેડિયા ભાડે લેવાનો ટ્રેન્ડ વધ્યો છે.
નવરાત્રિની શોપિંગ માટે ફેમસ જગ્યાઓ
નવરાત્રિ માટેની શોપિંગ કરવી હોય તો અમદાવાદમાં લૉ ગાર્ડન અને રાણીનો હજીરો આ બે જગ્યા ફેમસ છે. જ્યાં તમે દિવસે કે રાતે જાઓ એટલે ભીડ તો જોવા મળે છે. આ બંને જગ્યાએ એકથી એક ચણિયા ચોળી તથા ઓર્નામેન્ટ્સ મળે છે. એમ થાય કે કયા લેવા અને કયા ન લઇએ. પરંતુ જો તમારે માત્ર એક દિવસ પૂરતા જ ચણિયાચોળી પહેરવાની જરૂર હોય તો તમે ભાડે પણ લાવી શકો છો.
ચણિયાચોળી અને કેડિયા ભાડે લેવાનો ટ્રેન્ડ
અમદાવાદના બજારોમાં આં વર્ષે ચણિયાચોળી અને કેડિયા ભાડે લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. માર્કેટમાં 3 થી 15 હજારમાં વેચાતા મળતા ચણીયા ચોળી માત્ર 300, 500, 700 અને 1000, 1500 અને 2 હજાર સુધી ભાડે મળી રહ્યા છે. આ સાથે જ તમને ઓર્નામેન્ટ્સ ભાડે લેવાનો પણ ઓપ્શન મળી રહે છે.
ભાડાની ચણિયાચોળીની ડિમાન્ડમાં થયો વધારો
અમદાવાદના સોનલ બેન છેલ્લા 10 વર્ષથી ચણિયાચોળી ભાડે આપે છે. તેમનું કહેવુ છે કે દર વર્ષ કરતા આ વર્ષે ભાડાની ચણિયાચોળીની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. પહેલા નોરતે થી લઈને દશેરા સુધી બુકિંગ આવ્યા છે. નવરાત્રીમાં સૌથી બધુ તો કપલ્સ આ ચણિયાચોળી અને કેડિયા ભાડે લેતા જોવા મળી રહ્યા છે.