MSU University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓને મે-જૂનમાં લેવાયેલી પરીક્ષાની માર્કશીટ માટે દિવાળી વેકેશન પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. યુનિવર્સિટીના ખાડે ગયેલા તંત્રમાં વાઈસ ચાન્સેલરના આદેશનો પણ અમલ થઈ રહ્યો નથી.
યુનિવર્સિટીમાં તા.28 ઓકટોબરથી દિવાળી વેકેશનનો પ્રારભ થશે. એ પહેલા તા.27 ઓકટોબરે રવિવારની રજા છે. આમ વેકેશન શરું થવાના આડે એક મહિના જેટલો જ સમય બાકી છે અને બીજી તરફ માર્કશીટ વિતરણના ઠેકાણા નથી. ભાગ્યે જ કોઈ ફેકલ્ટીમાં માર્કશીટનું વિતરણ શરું થયું છે.
ઉલ્લેખનીય છે કે, હજારો વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત હોવાની જાણકારી સામે આવ્યા બાદ એક મહિના પહેલા યોજાયેલી ફેકલ્ટી ડીન્સની બેઠકમાં વાઈસ ચાન્સેલરે તમામનો ઉધડો લીધો હતો. તે સમયે 25000 માર્કશીટનું પ્રિન્ટિંગ થઈ ગયું હતું અને બીજી 15000 જેટલી માર્કશીટનું પ્રિન્ટિંગ બાકી હતું.
વાઈસ ચાન્સેલરે એક સપ્તાહમાં પ્રિન્ટ થયેલી માર્કશીટનું વિતરણ શરું કરી દેવાનો આદેશ આપ્યો હતો અને બાકીની માર્કશીટનું પ્રિન્ટિંગ વહેલી તકે પુરું કરવા માટે કહ્યું હતું. પરીક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, 90 ટકા માર્કશીટો ફેકલ્ટીઓમાં પહોંચાડી દેવામાં આવી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ સુધી હજી માર્કશીટો પહોંચી નથી. નાની ફેકલ્ટીઓને બાદ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ હજી શરું જ નથી કરાયું અને હવે 21 દિવસના દિવાળી વેકેશન બાદ જ માર્કશીટ વિદ્યાર્થીઓને મળે તેવી શક્યતા છે.