રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી મહિનાઓમાં ભારતના પ્રવાસે આવી શકે છે. પુતિનના ભારત પ્રવાસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ પુતિનના પ્રવાસની તારીખોની સત્તાવાર જાહેરાત કરાશે. ક્રેમલિનના પ્રવક્તા દિમીત્રી પેસ્કોવે આ સમાચારોને અનુમોદન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસની તારીખો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે અને તેને જલદી જ જાહેર કરાશે. રશિયાની સમાચાર એજન્સી સ્પુતનિકના અનુસાર પુતિનના ભારત પ્રવાસનો આશય ભારત સાથે ડિપ્લોમેટિક અને આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવાનો છે. પુતિનની પ્રસ્તાવિત ભારત યાત્રા વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ ચર્ચા થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલત (આઇસીસી)એ રશિયા-યૂક્રેન યુદ્ધ દરમિયાન થયેલા કથિત યુદ્ધ અપરાધો બદલ પુતિન સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. આઇસીસીના રોમ સ્ટેચ્યૂ હેઠળ સભ્ય દેશની આ જવાબદારી છે કે તે આઇસીસીનું ધરપકડ વોરન્ટ ધરાવતી વ્યક્તિ તેમને ત્યાં આવે તો તેની અટકાયત કરે. પરંતુ ભારતે આ સંધી પર હસ્તાક્ષર કર્યા નથી કે ન તો તે તેને અનુમોદન આપે છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા વચ્ચે દાયકાઓ જૂના વ્યુહાત્મક અને આર્થિક સંબંધ છે અને પુતિનના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.