આમ તો એકાદશી મહિનામાં બે વાર આવે છે. માગસર મહિનામાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમજ વ્યક્તિને જીવનના તમામ પાપો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે.
મોક્ષદા એકાદશી કઇ તારીખે છે?
વૈદિક કેલેન્ડર અનુસાર માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 11 ડિસેમ્બર, બુધવારે સવારે 3.42 કલાકે શરૂ થશે. તારીખ 12 ડિસેમ્બર, ગુરુવારે બપોરે 1:09 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર આ મોક્ષદા એકાદશીનું વ્રત 11મી ડિસેમ્બરે રાખવામાં આવશે.
મોક્ષદા એકાદશી પારણાનો સમય
વ્રતના બીજા દિવસે પારણા કરવામાં આવે છે. જે મુજબ 12મી ડિસેમ્બરને ગુરુવારે મોક્ષદા એકાદશી વ્રત તોડવામાં આવશે. ઉપવાસ તોડવાનો સમય સવારે 7.05 વાગ્યે શરૂ થશે અને સવારે 9.09 વાગ્યા સુધી ચાલશે.
મોક્ષદા એકાદશી પૂજાવિધિ
મોક્ષદા એકાદશીના દિવસે પૂજા કરવી, સવારે ઊઠીને સ્નાન કરવું. આ પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો. ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાને સ્થાપિત કરો, પછી ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો અને ત્યારબાદ શ્રી હરિને પીળા વસ્ત્રો અર્પણ કરો. ભગવાન વિષ્ણુને કંકુ અને અક્ષતનું તિલક લગાવો અને પછી પીળા રંગનું ફ્રૂટ અર્પણ કરો. એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો પાઠ કરો.
મોક્ષદા એકાદશી વ્રતનું શું છે મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પાપોનો નાશ તો થાય જ છે પરંતુ સંતાન, ધન કે લગ્ન વગેરેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ દિવસે શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો સુધી તપ કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ સાચા હૃદયથી આ વ્રત કરવાથી મળે છે.