મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ પ્રાર્થના પ્લેટીના કોમ્પ્લેક્ષમાં શ્રી રાધે વિઝા હબમાં ન્યૂઝીલેન્ડ જવાની પ્રોસેસ કરતા મહેસાણા તાલુકાના 4 યુવકો કબૂતરબાજીનો શિકાર બન્યા હતા. 4 લોકોના રૂ.83 લાખ સેરવી લેનાર 4 કબૂતર બાજો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મહેસાણાના ગુંજાળા ગામના પ્રિયંક નાનજીભાઈ ચૌધરી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ તેમને પરિચિત વ્યક્તિ દ્વારા રાધનપુર રોડ પર આવેલ પ્રાર્થના કોમ્પ્લેક્ષના શ્રી રાધે વિઝા હબમાં પોતાને અને પોતાના માસીના દીકરા અને મિત્ર સહિત 4 લોકો માટે ન્યૂઝીલેન્ડ વિઝીટર ટુ વર્ક વિઝા માટે પ્રોસેસ કરેલ હતી. જે માટે તેમની પાસે થી લાખ્ખો રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે તેમને વિઝા આપી ન્યૂઝીલેન્ડ જવા માટે મલેશિયા મોકલી તેમને આપેલ વિઝા ફાડી નંખાવવામાં આવ્યા હતા.
વિઝા ન હોઈ તમામ 4 યુવકોને મલેશિયાના તંત્ર દ્વારા ડિપોર્ટ કરી પરત ભારત મોકલી આપવામાં આવ્યા હતા. જે બાદ આ યુવકોએ પોતે વિદેશ જવાના બહાને છેતરાયા હોવાની જાણ થતાં તેમને શ્રી રાધે વિઝા હબના ધવલ સુરેશભાઈ પટેલ, મિલન સુરેશભાઈ પટેલ, અક્ષીત શંભુભાઈ પટેલ અને હિમાંશુ બિપિનભાઈ કડિયા પાસે પૈસાની ઉઘરાણી કરતા તેમના 83 લાખ રૂ.પરત કરવામાં આવ્યા ન હતા. જેથી તમામ 4 વિરુદ્ધ ભોગ બનનાર દ્વારા છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવતા મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.