મહેસાણા બાયપાસ હાઇવે પર નુગર નજીક કન્ટેનરની ટકકરે મોપેડ સવાર બે યુવકોનો અકસ્માત સર્જાયો હતો. પાટણથી અમદાવાદ જતા રસ્તામાં કન્ટેનરની ટકકરે મોપેડ ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કન્ટેનર સ્થળ પર મૂકી ફરાર થનાર ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પાટણના મોતિશા દરવાજા વિસ્તારમાં આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા કૃણાલ લક્ષ્મણભાઈ ડોડીયાની ફરિયાદ મુજબ તે અને તેમના મોટા ભાઈ જિગરભાઈ ઉ.વ 36 સાથે મિત્ર મનીષભાઈ ત્રણેય જણા પાટણથી અમદાવાદ જવા માટે એક કાર અને એક મોપેડ પર નીકળ્યા હતા.
જેમાં જિગરભાઈ અને મનીષભાઈ બન્ને મોપેડ પર જતા હતા ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર નુગર બાયપાસ પરથી પસાર થતા પાછળથી આવતા એક બેફામ કન્ટેનરે પાછળ તેમના મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક જીગરભાઈને કન્ટેનર ચાલકે ટક્કર મારી દૂર સુધી ઢસેડતાં અને કન્ટેનરનું ટાયર તેમના માથા પર ચઢી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પાછળ સવાર મનીષભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થયો હતો. જેથી મૃતકના ભાઈ દ્વારા અકસ્માત સર્જનાર GJ-03 BY 9172 નંબરના કન્ટેનર ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.