રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગની કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.
લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા
ત્યારે ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગની ઘટનાનો બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા છે, તેમને પણ ખસેડવામાં આવી રહ્યા છે અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. 2 કિલોમીટર દુર સુધી આગના ધુમાડા જોઈ શકાય છે. જો કે આ ઘટનામાં અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ગઈકાલે અમદાવાદની વટવા GIDCમાં આગ લાગી હતી
તમને જણાવી દઈએ કે ગઈકાલે વટવા GIDC ફેઝ 1માં આવેલા પ્લોટ નં 118/119માં અલ્કેશ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં સ્ટોરેજ ફેસિલિટી વિભાગમાં સોમવારે બપોરે આગ લાગતા નાસભાગ મચી હતી. જેમાં કંપનીમાં મિથેનોલ, સોલવન્ટ સહિતના કેમિકલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ધૂમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.
ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર
જ્યારે ફાયરબ્રિગ્રેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને 18 ગાડીઓ સાથે 65થી વધુ ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને 3 લાખ લિટર પાણી અને 3,000 લિટર ફોર્મનો 8 બાજુથી મારો ચલાવીને દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક આધેડને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગ લાગતાની સાથે 10 જેટલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.