મહેસાણા મહાનગર પાલિકા દ્વારા મહાનગરને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાતો વચ્ચે વરસાદી કેનાલો ગંદુ નાળુ બની હોવાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકો મહાનગરપાલિકા તંત્રનું ગંદુ રાજ હોવાનું કહી રહ્યા છે.
ગાયત્રી મંદિર વિસ્તારમાં અનેક લોકોનો વસવાટ રહ્યો છે. ત્યાં ગટરની લઈનમાં વારંવાર સર્જાતી સમસ્યા બાદ વરસાદી લાઇનમાં ગંદુ પાણી નિકાલ કરવામાં આવતા ગટરના પાણીની દુર્ગંધથી સ્થાનિકોના નાકે દમ આવી રહ્યો છે.મહેસાણા મનપાના વિકાસ પ્લાનને જોઈ માનવ આશ્રમ વિસ્તારના લોકો નારાજ બન્યા છે. ત્યાં આ વિસ્તારમાં વિકાસ તો દૂર પરંતુ ગટર અને પાણીની જે જૂની વ્યવસ્થાઓ છે તે પણ સારી રીતે મળતી ન હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. મહેસાણા માનવ આશ્રમ વિસ્તારમાં ગટર લાઈનની સમસ્યા વચ્ચે ડ્રેનેજ વેસ્ટનું પાણી વરસાદી પાણીના નિકાલની કેનાલમાં છોડી દેવામાં આવ્યું હતું. જેને લઈ ત્યાં ભર ઉનાળે ગંદા નાળાની જેમ દૂષિત પાણીની નદી વહેવા લાગી હતી.
યોગ્ય સ્વચ્છતા અને મેન્ટેનન્સ ન થતા આ વરસાદી લાઉનમાં ગટરના પાણી ઉપરાંત ખાણી પીણીના ખાલી પેકેટ, બોટલ, સહિતનો વેસ્ટ પડયો હોઈ મોટા પ્રમાણમાં ત્યાં ગંદકી વ્યાપી હતી. ત્યારે વરસાદી લાઈનમાં ગટરના ગંદા પાણીની ગંદકી ઝડપી દૂર કરી તે વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓ માંથી રાહત મળી શેક તેમ છે.