મહેસાણા શહેરના તાવડીયા રોડ વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ નિર્માણ કરવામાં આવી છે.આ કેનાલ ખુલ્લી હોવાથી તેમા પશુઓ ખાબકવાના બનાવોમા વધારો થઇ રહ્યો છે.ત્યારે બે દિવસ પૂર્વે વધુ એક ગાય કેનાલમાં પડી હતી.આ કેનાલમા અવાર નવાર પશુઓ ખાબકવાના બનાવો બની રહ્યા છે.
જેને લઈ પશુપાલકો સહીત જીવદયા પ્રેમીઓમા નારાજગી જોવા મળી રહી છે.આ મામલે સ્થાનિક રહીશ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ દ્વારા ગાયને સહી સલામત બહાર કાઢી અબોલ પશુને નવજીવન બક્ષ્યુ હતું.ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પૂર્વે તેના પર સ્લેબ ભરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમા માંગ ઉભી થવા પામી છે.
મહેસાણાના તાવડીયા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે બાલાજી રેસીડન્સીથી પ્રગતિનગર સુધી ખુલ્લી કેનાલ બનાવવામાં આવી છે.આ કેનાલ નિર્માણ થયા બાદ ચોમાસામાં રોડ પર પાણી ભરાવાનો પેચીદા પ્રશ્નનો નિકાલ થયો છે.પરંતુ ખુલ્લી કેનાલથી તેમાં રખડતા પશુઓ ખાબકવાના બનાવોમા ભારે વધારો થઇ રહ્યો છે.બે દિવસ પૂર્વે શિવમપાર્કના નાકા પર એક ગાય કેનાલમા પડતા સ્થાનિક રહીશ જયંતીભાઈ વાણિયા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે આવીને તેને બહાર કાઢીને મુક્ત કરી હતી.તો કેનાલ નિર્માણ પામી ત્યારથી તેમાં પશુઓ પડવાની ઘટનાઓમાં ભારે ઉછાળો આવ્યો છે.જેને લઈ પશુપાલકો સહિત જીવદયા પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
ખુલ્લી ઊંડી કેનાલમા મોટો અકસ્માત સર્જાય તે પૂર્વે તેના પર સ્લેબ ભરવા માંગ
આ અંગે પ્રગતિનગર સોસાયટીના રહીશ જ્યંતીભાઇ વાણીયાના જણાવ્યા અનુસાર ખુલ્લી કેનાલમા વારંવાર પશુઓ પડવાના બનાવો બની રહ્યા છે.આ રોડ પરથી મોટા વાહનો સહીત બાઈક અને સ્કૂટર સહીત નાના વાહનો પણ મોટી સંખ્યામા દિવસ રાત દોડતા હોય છે.રોડ સાંકડો છે અને પાંચ ફૂટ ઊંડી કેનાલ ખુલ્લી હોય મોટા અકસ્માતની સંભાવના છે.ત્યારે કેનાલ પર સ્લેબ ભરવામાં આવે તેવી આજુબાજુ સોસાયટી તેમજ વિસ્તારના રહીશોની માંગણી છે.