ધારીની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો : હોમગાર્ડ જવાને જેની સાથે મૈત્રી કરાર કર્યો હતો તે પરિણીતાએ છૂટાછેડાની અરજી કરતા તેના ખારમાં પરિણીતાના પતિ સહિત બેએ બાઇકને કારથી ટક્કર મારી હત્યા કરી હતી
અમરેલી, : ચલાલાના હોમગાર્ડ જવાનની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા તથા બે-બે લાખનો દંડ ફકકારતો ચૂકાદો ધારીની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા અપાયો છે. હોમગાર્ડ જવાને પરિણીતા સાથે મૈત્રી કરાર કરતા પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડાની અરજી કરતા તેના ખારમાં પરિણીતાના પતિ સહિત બેએ બાઇકને કારથી ટક્કર મારી હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સને 2021 માં અમરેલીના ચલાલા ટાઉનમાં રહેતા એક હોમગાર્ડ જવાનેે આજ ગામે રહેતી એક પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ હોય જેને લઈ પરિણીતાએ પોતાના પતિ સાથે છૂટાછેડાની અરજી કરી હતી. જેનો ખાર રાખી એનો બદલો લેવાની ભાવનાથી તેણીના પતિ પ્રવિણભાઈ ગોબર રાઠોડ તથા ભત્રીજા ઘનશ્યામ વિરજી સોલંકીએ એકસંપ કરી, મૈત્રી કરાર કરનાર હોમગાર્ડ જવાન કેતનભાઈ કાન્તિભાઈ કાકડીયાનું કાસળ કાઢી નાખવા માટે ખૂન કરવાનું તરકટ રચ્યુ હતું. આરોપીઓએ ખૂનને અકસ્માતમાં બનાવવામાં ખપાવવા માટે કેતનભાઈના મોટરસાયકલ સાથે કાર અથડાવીને તેનું ખૂન કરવામાં આવેલ હતું.