ક્વાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ તેમજ હાલ ટ્રાઈફ્ડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર તેમના જ ગામના બે શખસો ફાયરિંગ દ્વાર કરાયું હતું. કુલદીપને ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે મન દુઃખ થતા આરોપીએ તેની અદાવત રાખી ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.
કવાંટ તાલુકાના પીપલદી ગામે ગત રાત્રીના 9.45 વાગ્યાની આસપાસ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ફાયરિંગ કરીને પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપ જામસિગ રાઠવા (ઉ.33 નિશાળ ફળિયા , રહે.પીપલદી)ને પેટના ભાગે ગોળી મારી ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતરાયો હતો. ગામના બે શખસ શંકર સનજી રાઠવા તથા અમલા રેવજી રાઠવા (બંને રહે. પીપલદી) વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી એક મુખ્ય આરોપી શંકર રાઠવાની પોલીસ દ્વાર અટકાયત કરાઇ છે. શંકર રાઠવા કે, જે નિવૃત આર્મીમેન તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
સમગ્ર ઘટનાને સંદર્ભે મૃતક કુલદીપ અને શંકર રાઠવા વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે તકરાર થઈ હતી. તેની અદાવતને લઈ શંકર રાઠવાએ ફાયરિંગ કર્યુ હતું. મૃતક કુલદીપ રાઠવા ગામમાં હતો. તે સમયે રાત્રીના બાઈક પર આવીને શંકર રાઠવાએ તેની પર ફાયરિંગ કર્યુ હતુ. કુલદીપ પર ફાયરિંગ થતા તેને 108 પર કોલ કરીને સારવાર હેઠળ તાત્કાલિક કવાંટ સામુહિક આરોગ્ય ખાતે ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી શંકર રાઠવાએ ગામમાં અગાઉ પણ ઘણા લોકો સાથે માથાકૂટ કરી છે. જે પિસ્તોલમાંથી ફાયરિંગ કરાયેલ પિસ્તોલ લાયસન્સવાળી છે કે, લાયસન્સ વગરની છે. તેને લઈ તપાસ હાથ ધરાઇ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતદેહની પીએમ અર્થે વડોદરા ખાતે મોકલ્યો છે. બનાવને પગેલ પીપલદી ગામમાં શોક સાથે ભારેલા અગ્નિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ક્વાંટ અને છોટાઉદેપુરની સંયુકત ટીમે બંને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયાં છે.