સિકલ સેલ રોગ વિશે વ્યાપક જાગૃતિ કેળવવા, આવનારી પેઢીમાં સિકલ સેલ રોગનો ફેલાવો અટકાવવા તેમજ આ રોગના નિદાન અને સારવાર અંગે નાગરિકોને માહિતગાર કરવાના નેક ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૯ જૂનના રોજ “વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાંથી આ ગંભીર રોગની નાબૂદી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ નાબૂદી માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જાણીએ એ પહેલા એ જાણવું જરૂરી છે કે, સિકલ સેલ રોગ ગંભીર કેમ છે?
સિકલ સેલ રોગ શું છે?
સિકલ સેલ રોગ એ એક આનુવંશિક રક્ત વિકાર અને હિમોગ્લોબિનની ખામીને કારણે થતી એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. આ રોગમાં લાલ રક્તકણોમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિન S (Hemoglobin S)ને કારણે સામાન્ય ગોળાકાર લાલ રક્તકણોનો આકાર બદલાઈને દાતરડાં (sickle) જેવો બની જાય છે. આ અનિયમિત આકારના રક્તકણો રક્તવાહિનીઓમાં અવરોધ પેદા કરી શકે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ અવરોધાય છે. જેના કારણે ગંભીર પીડા, એનિમિયા અને અવયવોને નુકસાન જેવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે.
સિકલ સેલ એનિમિયાના મુખ્ય લક્ષણો
સિકલ સેલ એનિમિયાના મુખ્ય લક્ષણોમાં શરીર ફિક્કું પડી જવું, વારંવાર કમળો થવો, શરીરના સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુઃખાવો રહેવો, વારંવાર પેટમાં દુ:ખાવો થવો, બરોળ મોટી થવી અને વારંવાર તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ સગર્ભા માતા આ રોગથી પીડિત હોય તો ગર્ભપાત થવાની શક્યતા પણ રહે છે. એટલા માટે જ, સિકલ સેલ જેવી ગંભીર બીમારીના નાબૂદી માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સિકલ સેલ એનિમિયા મિશન-2047
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા તા.1 જુલાઈ, 2023થી દેશના કુલ 17 રાજ્યોના 278 જિલ્લાઓમાં “નેશનલ સિકલ સેલ એનિમિયા મિશન-2047″નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારત દેશમાંથી વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરુ થયેલા આ મિશન હેઠળ 40 વર્ષ સુધીની વય ધરવતા નાગરિકોને સિકલ સેલ પરીક્ષણ હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે.
ગુજરાતનો પ્રયાસ: સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ
ગુજરાત પણ સિકલ સેલ નાબૂદીની દિશામાં ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતના આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સિકલ સેલ રોગનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. એટલે જ, ગુજરાત સરકારે સિકલ સેલ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૬થી “સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામ”ની શરૂઆત કરી હતી. ગુજરાતમાં સિકલ સેલ રોગીઓનું પ્રિવલેન્સ એટલે કે, વ્યાપકતા લગભગ ૦.૩૬ ટકા જેટલી છે. જ્યારે, સિકલ સેલ વાહકોનું પ્રિવલેન્સ ૬.૫૮ ટકા છે. આ આંકડાઓ જ દર્શાવે છે કે, આ રોગનું નિવારણ અને નિયંત્રણ કેટલું જરૂરી છે. આ કાર્યક્રમ હેઠળ મુખ્યત્વે સિકલ સેલ રોગના વહેલા નિદાન માટે વ્યાપક સ્ક્રીનિંગ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓ અને બાળકોનું સિકલ સેલ માટે પરીક્ષણ કરવામાં આવે છે. ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ અને તાપીને મળીને કુલ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં સિકલ સેલ માટે પરીક્ષણની કામગીરી સક્રિયપણે ચાલી રહી છે.
નિદાન અને અટકાયત
ભારત સરકારના સિકલ સેલ એનિમિયા મિશન અને રાજ્ય સરકારના સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય સિકલ સેલથી પીડિત આદિજાતિ નાગરિકોને વહેલામાં વહેલી તકે રોગનું નિદાન કરાવવાનું તેમજ નિદાન બાદ તેમને મહત્તમ સારવાર આપવાનો છે. આદિજાતિ જિલ્લાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય કક્ષાએ આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ કાઉન્સેલર અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ દ્વારા સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવે છે. આ રોગના નિદાન માટે નાગરિકોનું પ્રાથમિક સ્ક્રીનિંગ – DTT ટેસ્ટ (Dithionite Tube Turbidity Test)ના માધ્યમથી કરવામાં આવે છે. જ્યારે રોગની પુષ્ટિ કરવા માટે HPLC ટેસ્ટ (High-Performance Liquid Chromatography) કરવામાં આવે છે.
સિકલ સેલના દર્દીઓને નિદાન અને સારવાર
રાજ્યમાં સિકલ સેલના દર્દીઓને નિદાન અને સારવાર પૂરી પાડવા માટે વિશેષ કેન્દ્રો અને હોસ્પિટલો કાર્યરત છે. આ કેન્દ્રોમાં હિમેટોલોજિસ્ટ્સ અને અન્ય નિષ્ણાતોની ટીમ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પૂરી પાડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને મફત દવાઓ અને અન્ય તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવે છે. સિકલ સેલ એક આનુવંશિક રોગ હોવાથી આ રોગ આવનારી પેઢીમાં પ્રસરે છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ૧૦ થી ૨૫ વર્ષના અપરિણીત યુવાનો જેવા વિશિષ્ટ સમૂહના લોકોનું નિદાન કરવામાં આવે છે, જેથી આ રોગનો ફેલાવો આગામી પેઢીમાં થતો રોકી શકાય.