અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે,મહિલા આરોપી રાજશ્રી કોઠારી કે જેઓ હોસ્પિટલના ડિરેકટરમાં હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે,આ કેસમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે,હોસ્પિટલનું તંત્ર ઉભુ કરનાર મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે તે સિવાયના તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
અગાઉ રાજશ્રીએ ત્રણ કેસમાં કરી હતી આગોતરા જામીન અરજી
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારી ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઈ જ લેવાદેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ.
હોસ્પિટલમાં ડિરેક્ટર રાજશ્રી અને પ્રદીપનો 3.61 ટકા હિસ્સો
હોસ્પિટલમાં ડિરેક્ટર રાજશ્રી અને પ્રદીપનો 3.61 ટકા હિસ્સો છે, હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગ મળતી હતી. જેમાં તેઓ વધુને વધુ ગામોમાં ફ્રી કેમ્પ યોજવાનું નક્કી કરતા હતા. ત્યારબાદ તેઓ ગામમાંથી જે દર્દીઓના PMJAY કાર્ડ હોય તેવા દર્દીઓ શોધી કાઢતા હતા. તેઓ દર્દીઓને બીમારીના ઓથા હેઠળ ડરાવતા હતા અને ત્યારબાદ હોસ્પિટલ લાવતા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
આરોપી કાર્તિક પટેલ હજી ફરાર
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.