અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે હક્કાની ખોસ્તથી આવતા લોકોના સમૂહને હોસ્ટ કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંત્રાલય પરિસરમાં ચાલી રહેલી બેઠક દરમિયાન થયો હતો.
આત્મઘાતી હુમલો?
તાલિબાન સરકારે ‘The Khorasan Diary’’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે તેને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
2021માં કર્યા હતા નિયુક્ત
મહત્વનું છે કે ઑગસ્ટ 2021 માં જૂથ સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીને શરણાર્થીઓના કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હક્કાની નેટવર્કના પ્રમુખ વ્યક્તિઓમાંથી એક હતા. તેમણે ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યા પછી 7 સપ્ટેમ્બર 2021 ના રોજ તેમને શરણાર્થીઓના કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ પાછળ માસ્ટર માઇન્ડ કોણ ?
આ બ્લાસ્ટ કોણે કર્યો તે હજી જાણી શકાયુ નથી પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ અને તાલિબા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચેનો ટાર્ગેટ અટેક હોઇ શકે છે. જોકે હજી કોઇ સંગઠનનું નામ સામે આવ્યું નથી. અહેવાલો અનુસાર ઇસ્લામિક સ્ટેટ (ISIS-K) ના ખુરાસાન પ્રાંતે વારંવાર આવા હુમલા કર્યા છે, જેણે તાજેતરના મહિનાઓમાં તાલિબાન સરકાર સાથે તણાવમાં વધારો કર્યો છે, હાલમાં આ ઘટનાની સંપૂર્ણ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.