રાજસ્થાનની રાજધાની જયપુરમાં રવિવારે સાંજે એક કોચિંગ ક્લાસમાં ગેસ લિકેજ થવાની ઘટના બનતા ભારે હંગામો મચી ગયો અને અચાનક જ કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેભાન થવા લાગ્યા. વર્ગખંડમાં દુર્ગંધ ફેલાઈ, જેના કારણે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી.
અચાનક એસીની અંદર રહેલો ગેસ લીકેજ થયો
ત્યારે વિદ્યાર્થીઓની આ હાલત જોઈને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જો કે હાલમાં તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો શહેરના રિદ્ધિ-સિદ્ધિ ચોક પાસેનો છે. જ્યાં રવિવારે સાંજે લગભગ 6.45 કલાકે બાળકો કોચિંગ ક્લાસમાં બેસીને અભ્યાસ કરી રહ્યા હતા અને અચાનક એસીની અંદર ગેસ લીકેજ થયો હતો અને તેની દુર્ગંધ ફેલાઈ હતી. આ દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી.
ત્યારે આ અંગે કોચિંગ મેનેજમેન્ટે તાત્કાલિક 108ને જાણ કરી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને તમામ વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તબીબોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હાલતમાં હાલમાં સુધારો થયો છે. હાલમાં તમામને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વર્ગખંડમાં અન્ય બાળકો પણ બેઠા હતા જેમાંથી 10ની તબિયત લથડી હતી. વર્ગો ચાલુ હતા ત્યારે બાળકોની આ હાલત થઈ અને અચાનક વિદ્યાર્થીઓ બેહોશ થવા લાગ્યા. એમ્બ્યુલન્સ આવ્યા બાદ કોચિંગ સેન્ટરની બહાર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ ચાલી પણ શકતા ન હતા, જેના કારણે તેમને ઉપાડીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે શું કહ્યું?
વિદ્યાર્થીઓની આવી હાલતના સમાચાર મળતા જ રાજસ્થાન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ પ્રમુખ નિર્મલ ચૌધરી અને અન્ય વિદ્યાર્થી નેતાઓ કોચિંગ સેન્ટર પહોંચ્યા. નિર્મલ ચૌધરીએ વહીવટી અધિકારીઓને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. વિદ્યાર્થી નેતાઓ પણ સ્થળ પર પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરતા જોવા મળ્યા, પોલીસ અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે કેટલાક વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી છે.
મેયરે તપાસ ટીમ બનાવી
જયપુર ગ્રેટરના મેયર સૌમ્યા ગુર્જરને આ સમાચાર મળ્યા તો તેમણે ચિંતા વ્યક્ત કરી. તેમજ અધિકારીઓને સ્થળ પર જઈને ઝીણવટભરી તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એક તપાસ ટીમ પણ બનાવી છે.