દલિત સમાજનો આક્રોશ પારખી પોલીસે 12 કલાકમાં ભેદ ઉકેલ્યો
અન્ય કોઇની સંડોવણી, હત્યાનું કારણ, ઘટનાસ્થળેથી મળેલી દારૂની કોથળીઓ વગેરે મહત્વના મુદ્દે જ પોલીસનાં મૌનથી અનેક તર્ક-વિતર્ક
ધોરાજી: ધોરાજી તાલુકાનાં નાની પરબડી ગામે ગઇકાલે વહેલી સવારે હત્યા કરાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ દલિત સમાજે રોષભેર ચક્કાજામ કરવા અને લાશ નહીં સ્વીકારવાનાં એલાનના પગલે સફાળી જાગેલી પોલીસે ૧૨ કલાકમાં ભેદ ઉકેલીને સગીર વયનાં મિત્રએ હત્યા કર્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જો કે અમુક બાબતે હજુ પોલીસે મૌન ધારણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
વિગત પ્રમાણે, ધોરાજીનાં નાની પરબડી ગામે રહેતો વિમલ સાગઠીયા નામનો ૨૫ વર્ષનો યુવાન ગત મંગળવારે રાત્રે આઠ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગઇકાલે બુધવારે વહેલી સવારે સીમ વિસ્તારમાં આવેલી સુરાપુરા દાદાની દેરી પાસેથી ગળાટૂંપો દઇને હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.