ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કાનપુરમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું પરંતુ જીત બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન ચોક્કસપણે વધતું જોવા મળી રહ્યું છે.
આ ખેલાડીઓએ વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા
પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋષભ પંત અને આર અશ્વિન જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ બે સિનિયર ખેલાડીઓના ખરાબ ફોર્મે હવે ભારતની ચિંતા વધારી દીધી છે. આ બંને ખેલાડીઓને ભારતીય બેટિંગની મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે.
રોહિત-વિરાટનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક
પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ફ્લોપ સાબિત થયા હતા. આ બંને સિનિયર ખેલાડીઓને ટીમ ઈન્ડિયાની બેટિંગના સૌથી મજબૂત સ્તંભ માનવામાં આવે છે. પરંતુ બંનેએ ચેન્નાઈ ટેસ્ટમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા હતા. રોહિતે ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 રન અને બીજી ઈનિંગમાં 5 રન બનાવ્યા હતા.
કાનપુર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
બંને દાવમાં ભારતીય કેપ્ટનને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર હસન મહમૂદે આઉટ કર્યો હતો. આ સિવાય વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવ્યા હતા. આ બંનેના ખરાબ ફોર્મને કારણે હવે કાનપુર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી ગયું છે.
રોહિત અને વિરાટ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા
આ બે ખેલાડીઓ સિવાય ટીમના બાકીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ચાહકો બીજી ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. વિરાટ કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કોહલીએ ઈંગ્લેન્ડ સાથે રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.