ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સિદ્ધાર્થે વર્ષ 2018માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કર્યું હતું. 2008માં ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડવામાં સિદ્ધાર્થે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સિદ્ધાર્થે ભારત માટે ત્રણ વનડે અને ટી20 જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ફાસ્ટ બોલરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2019માં રમી હતી. ત્યારથી સિદ્ધાર્થ ભારતીય ટીમની બહાર હતો. IPL 2025ની મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમે સિદ્ધાર્થના નામ પર રસ દાખવ્યો ન હતો.
સિદ્ધાર્થે કરી નિવૃત્તિ જાહેરાત
લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સિદ્ધાર્થ કૌલે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સિદ્ધાર્થે વર્ષ 2018માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ફાસ્ટ બોલરે ODI ક્રિકેટમાં ત્રણ મેચ રમી હતી, પરંતુ આ દરમિયાન તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. સિદ્ધાર્થે ભારત માટે ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી હતી, જેમાં તેણે કુલ ચાર વિકેટ ઝડપી હતી.
સતત પ્રદર્શન કરવામાં નિષ્ફળ જવાને કારણે સિદ્ધાર્થને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે પછી તે કમબેક કરી શક્યો ન હતો. સિદ્ધાર્થે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો.
2008ની ચેમ્પિયન ટીમનો હતો ભાગ
વર્ષ 2008માં ભારતીય ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સિદ્ધાર્થ કૌલ પણ આ ટીમનો એક ભાગ હતો અને તેને બોલ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. સિદ્ધાર્થે આઈપીએલમાં પણ પોતાની બોલિંગથી છાપ છોડી હતી. ફાસ્ટ બોલરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 54 મેચ રમી હતી. આ દરમિયાન તેને 58 વિકેટ પોતાના નામે કરી હતી. IPLમાં સિદ્ધાર્થની ઈકોનોમી 8.59 હતી. તે સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ હતો.