India Free From Trachoma: છેલ્લા ઘણા સમયથી ટ્રેકોમા બીમારી સામે ઝઝૂમી રહેલા ભારતે અંતે મુક્તિ મેળવી લીધી છે. નેપાળ અને મ્યાનમાર બાદ હવે ભારત પણ આ રોગને નાબૂદ કરનાર દક્ષિણ પૂર્વ એશિયાનો ત્રીજો દેશ બન્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ભારતને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતાં સન્માનિત કર્યો છે.
આ રોગોને પણ જડમૂળમાંથી દૂર કર્યા
WHO એ વિવિધ રોગોને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા બદલ ભારત તેમજ ભૂતાન અને માલદીવને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે WHO એ 5 વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને મૃત જન્મ દર ઘટાડવા માટે ઇન્ડોનેશિયા, માલદીવ્સ, શ્રીલંકા અને થાઇલેન્ડને પણ સન્માનિત કર્યા છે. ભારતે અગાઉ પ્લેગ, રક્તપિત્ત અને પોલિયો જેવી બીમારીઓ પણ નાબૂદ કરવામાં સફળતા મેળવી છે. તેમાં હવે ટ્રેકોમાનો પણ સમાવેશ થઈ ગયો છે.
શું હોય છે ટ્રેકોમા
ટ્રેકોમા વાસ્તવમાં આંખનો એક રોગ છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીને અંધ બનાવી શકે છે. આ એક ચેપી રોગ છે જે ક્લેમીડિયા ટ્રેકોમેટીસ નામના બેક્ટેરિયાથી થાય છે. આ ચેપમાં વ્યક્તિની પાંપણોની અંદરની સપાટી ખરબચડી થવા લાગે છે. જેના લીધે તેને આંખમાં સતત દુખાવો, બળતરા, પાણી આવવું, અસ્પષ્ટ દૃષ્ટિ, કોર્નિયાને નુકસાન થઈ શકે છે, જે અંધત્વ તરફ દોરી શકે છે. કેટલાક લોકોને આ ચેપ વારંવાર થઈ શકે છે જેના કારણે પાંપણ અંદરની તરફ વળે છે અને દૃષ્ટિ સંપૂર્ણ બંધ થઈ જાય છે.
આ ચેપ ખતરનાક
મેડિકલ નિષ્ણાતોના મતે, આ ચેપ એક વ્યક્તિથી બીજામાં અને માખીઓ દ્વારા પણ ફેલાય છે, અને તે પુખ્ત વયના લોકો કરતાં બાળકોને વધુ નુકસાન પહોંચાડે છે. આ રોગ થવા પાછળ કારણ ગંદકી, ભીડભાડવાળી જગ્યા, અશુદ્ધ પાણી, જાહેર શૌચાલયનો ઉપયોગ સહિતના અનેક કારણો છે. જેને રોકવા માટે સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને એન્ટિબાયોટિક્સનો પુરવઠો જરૂરી છે.
2017માં ટ્રેકોમાંથી મુક્તિની જાહેરાત કરી હતી
WHO સેફ વ્યૂહરચના સમગ્ર દેશમાં લાગુ થયા બાદ 2017માં ભારતને ટ્રેકોમાથી મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. વ્યૂહરચના હેઠળ, રોગને દૂર કરવા માટે સર્જરી, એન્ટિબાયોટિક્સ, ચહેરાની સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતા જેવા વિવિધ પગલાં અપનાવવામાં આવ્યા હતા. જો કે, 2019થી 2024 સુધી ભારતના તમામ જિલ્લાઓમાં ટ્રેકોમાના કેસો પર નજર રાખવામાં આવી હતી.