બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે હવે સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી અને પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. તિલકે સેન્ચુરિયન મેદાન પર બેટ વડે ખૂબ જ ધૂમ મચાવી હતી અને યજમાન ટીમના બોલિંગ આક્રમણ સાથે પાયમાલ કરી હતી. તિલકની સાથે યુવા બેટ્સમેન અભિષેક શર્મા પણ પોતાની ઝડપી અડધી સદીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે સ્કોર બોર્ડ પર 219 રન બનાવ્યા હતા. ત્રીજી T20માં જોરદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયાના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે.
ભારતના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં 8મી વખત બોર્ડ પર કુલ 200થી વધુનો સ્કોર નોંધાવ્યો છે. આ સાથે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત 200થી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સૂર્યકુમાર એન્ડ કંપનીના નામે નોંધાયો છે. ભારતે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2023માં ભારતીય ટીમે આ ફોર્મેટમાં 7 વખત સ્કોર બોર્ડ પર 200થી વધુ રન બનાવ્યા હતા.
ભારતે આ મામલે જાપાનને પણ પાછળ છોડી દીધું છે, જેણે આ વર્ષે T-20માં 7 વખત 200 પ્લસનો સ્કોર કર્યો છે. ત્રીજી વનડેમાં ભારતીય બેટ્સમેનોએ યજમાન ટીમના બોલરોને આડે હાથ લીધા હતા. સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયા પછી અભિષેક શર્મા અને તિલક વર્માએ જવાબદારી સંભાળી અને બીજી વિકેટ માટે 107 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. અભિષેકે 25 બોલમાં 50 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
તિલક વર્માએ કર્યો કમાલ
કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્મા શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. તિલકે મેદાનના ચારેય ખૂણામાં એક પછી એક શોટ માર્યા. ડાબોડી બેટ્સમેને 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પોતાની ફિફ્ટી પૂરી કર્યા પછી, તિલકે પોતાનું ગિયર બદલ્યું અને વિસ્ફોટક રીતે બેટિંગ કરતા પછીના 18 બોલમાં પચાસ રન બનાવ્યા. તિલકે તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ સદી 51 બોલમાં પૂરી કરી હતી. તિલક 107 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને તેણે પોતાની ઇનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
માર્કો યાન્સન ના જીતાડી શક્યો મેચ
220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શકી હતી. ટીમ વતી માર્કો યાન્સને છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 17 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન, યાન્સને 317ના સ્ટ્રાઇક રેટ સાથે તબાહી મચાવી હતી અને 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 25 રનની જરૂર હતી, પરંતુ યાન્સનના આઉટ થતાં ટીમની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.