ટીમ ઈન્ડિયા પર્થમાં ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા જઈ રહ્યો છે. પર્થ ટેસ્ટ પહેલા જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં બુમરાહે શમીની વાપસી અંગે લેટેસ્ટ અપડેટ પણ આપ્યું છે.
ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે શમી
પ્રેસ કોન્ફરન્સમાં શમી વિશે બોલતા જસપ્રિત બુમરાહે કહ્યું કે મોહમ્મદ શમી આ ટીમનો મહત્વનો ભાગ છે, તે એક ક્લાસ પ્લેયર છે, તે બોલિંગની ઓપનિંગ કરી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે, આશા છે કે તમે તેને અહીં જોઈ શકશે.”
BGTમાં ચાહકો શમીનો ઈંતજાર
મોહમ્મદ શમી ઘૂંટણની ઈજાને કારણે છેલ્લા એક વર્ષથી ક્રિકેટના મેદાનથી દૂર હતો. શમીને સર્જરી કરાવ્યા બાદ સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો હતો. શમીએ પોતે સાજા થવા માટે સખત મહેનત કરી હતી અને તેણે પુનરાગમન કરતાની સાથે જ તેની ઝડપી બોલિંગે મેદાન પર પ્રભુત્વ જમાવ્યું હતું. શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંગાળ તરફથી રમતા શમીએ મધ્યપ્રદેશ સામે 7 વિકેટ ઝડપી હતી.
ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે શમી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ પણ ઉઠવા લાગી હતી. જો કે હવે શમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળશે. હવે ચાહકોને આશા છે કે સૈયદ મુશ્તાક અલીની પ્રથમ મેચ રમ્યા બાદ શમીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે.