બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હજુ શરૂ પણ નથી થઈ અને આ પહેલા પણ ભારતીય ટીમ ઘણી સમસ્યાઓનો સામનો કરી ચુકી છે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નહીં રમે, જ્યારે શુભમન ગિલના અંગૂઠાનું ફ્રેક્ચર પણ ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા કે ગિલને ફ્રેક્ચર થયું નથી અને તે બીજી મેચમાં રમતા જોવા મળી શકે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલના નિવેદનથી આશા જાગી છે કે ગિલ પર્થ ટેસ્ટમાં પણ રમતા જોવા મળી શકે છે.
મોર્ને મોર્કલે ગિલને લઈને કહી મોટી વાત
મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શુભમન ગિલ દરેક પસાર થતા દિવસે સારો થઈ રહ્યો છે અને શક્ય છે કે તે પ્રથમ ટેસ્ટ રમશે. તેણે કહ્યું, “ગિલ દરરોજ સારો થઈ રહ્યો છે, અમે 22 નવેમ્બરની સવારે તેના રમવા કે નહીં તે અંગે નિર્ણય લઈશું. તે પ્રેક્ટિસ મેચમાં સારું રમ્યો હતો, તેથી અમે અત્યારે કંઈ કહી શકીએ નહીં.”
ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે શુભમન ગિલ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ટીમ માટે શુભમન ગિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 2020-21 અને પછી 2022-23 બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રમી ચૂક્યો છે. ગિલનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે તેણે 2020-21ની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમવાનો અનુભવ મેળવ્યો છે. તે સિરીઝમાં ગિલે ત્રણ મેચની 6 ઇનિંગ્સમાં 259 રન બનાવ્યા હતા. તેણે ગાબા ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં 91 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રોહિત શર્માના રમવાને લઈને હજું પણ સસ્પેન્સ
ભારતીય ટીમ માટે બીજી ચિંતાનો વિષય એ છે કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. આ સાથે જ ટીમમાં મોહમ્મદ શમીની ગેરહાજરી પણ ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. શમીએ રણજી ટ્રોફીમાં પુનરાગમન કર્યું છે, જ્યારે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ બંગાળ તરફથી રમતા જોવા મળશે. એવી અટકળો પણ છે કે શમી સિરીઝની મધ્યમાં ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.